બાયપાસનો વિરોધ:ઇડર-બડોલી 13 કિમી બાયપાસને કેન્દ્ર સરકારની મંજૂરી

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોની સભામાં લાલોડા,બડોલી, મણિયોર સાપાવાડા ગામના 200થી વધારે ખેડૂતો હાજર રહ્યા - Divya Bhaskar
ખેડૂતોની સભામાં લાલોડા,બડોલી, મણિયોર સાપાવાડા ગામના 200થી વધારે ખેડૂતો હાજર રહ્યા
  • ઇડર પંથકમાં નવો નેશનલ હાઇવે 168-G મંજૂર, મહેસાણાથી વિસનગર - વડનગર - વલાસણા - ઇડર થઇ શામળાજીને જોડતો ફોરલેન રોડ બનશે
  • ઇડરના​​​​​​​ મણીયોરથી સાપાવાડા, લાલોડા ,સવગઢ(લા) થઇ બડોલી પહોંચશે, 13 કિમી વિસ્તારમાં 5.85 લાખ ચો.મી. જમીન સંપાદન કરવી પડશે

મહેસાણાથી વિસનગર વડનગર ઇડર નેશનલ હાઇવે -58 ને જોડતા ઇડરથી શામળાજી નેશનલ હાઇ.-48 ને ઇડર શહેરને બાયપાસ કરી નવા નેશનલ હાઇવે 168-G તરીકે સમાવેશ કરી ઇડર-બડોલી બાયપાસ નામ આપી 13 કિલોમીટરના નવા રોડનું નિર્માણ કરવાના પ્રોજેક્ટને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મંજૂરી આપી છે અને કુલ 96.40 કિમીનો રોડ વાહનો 100 કિમીની ગતિએ દોડી શકે તેવી ક્ષમતાવાળો ફોરલેન હાઇવે બનાવાશે. નવા નિર્માણ પામનાર 13 કિમી રોડ માટે 5,85,000 ચો.મી. જમીન સંપાદન કરવાની થનાર હોવાથી ખેડૂતોમાં અત્યારથી વિરોધનો સૂર શરૂ થઇ ગયો છે.

બાયપાસ આ ગામોમાંથી પસાર થશે, વાહનો 100 કિમીની ગતિએ દોડી શકશે
બાયપાસ આ ગામોમાંથી પસાર થશે, વાહનો 100 કિમીની ગતિએ દોડી શકશે

મહેસાણાથી વાયા વડનગર ઇડર થઇને શામળાજીને જોડતા 96.40 કિમીના માર્ગને ફોરલેન બનાવવા કેન્દ્રના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયમાં દરખાસ્ત થયા બાદ ગત તા.09-05-22 ના રોજ મહેસાણાથી ઇડર વાયા વડનગર નેશનલ હાઇવે નં.68 અને ઇડર શામળાજી નેશનલ હાઇવે નં. 48 ને જોડીને નવા નેશનલ હાઇવે નં.168-G નામ અપાયું છે.

અઘોષિત નેશનલ હાઇવે નં. 168-G ને મણીયોરથી ઇડર શહેરને બાયપાસ કરી બડોલી જંક્શન આગળ શામળાજી હાઇવે સાથે જોડાશે. જેને ઇડર-બડોલી બાયપાસ નામ અપાયું છે. તેની કુલ લંબાઇ 13 કિમીની રહેશે. મણીયોરથી બડોલી વચ્ચેનો 13 કિમીનો રસ્તો સદાતપુરા, સાપાવાડા, લાલોડા, સવગઢ(લા) શેરપુરના સીમાડામાં થઇ બડોલી પહોંચશે. હાઇવે ફોરલેન બનાવવાનો હોવાથી 45 મીટરની પહોળાઇ રાખવામાં આવશે જેના માટે 5.85 લાખ ચો.મીટર જમીનની જરૂરિયાત રહેશે.

કેન્દ્ર સરકારના મંત્રાલયે ઇડર-બડોલી બાયપાસ પેકેજને મંજૂરી આપી દીધી છે પરંતુ હાઇવે માટે જમીન સંપાદન કામગીરી માથાનો દુ:ખાવો બની રહે તેમ છે કેટલાક ખેડૂતોના ખેતરના બે કટકા થઇ જાય છે તો કેટલાકને જમીન જ બચતી નથી. જેને પગલે અત્યારથી જ વિરોધનો સૂર શરૂ થઇ ગયો છે.

ધારાસભ્ય હિતુ કનોડિયાએ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થયાનું કહી ભાંગરો વાટ્યો
બાયપાસ ડિઝાઇનને એપ્રુવલ મળ્યા બાદ ધારાસભ્ય હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયામાં ઇડરની ટ્રાફિક સમસ્યાનું સુખદ નિરાકરણ થયાનો પ્રચાર કરી જાતે જ પીઠ થાબડવાનો પ્રયાસ કરતાં મજાકનું કેન્દ્ર બની ગયા છે. આ પ્રોજેક્ટ-બાયપાસ અને અંબાજી જતાં યાત્રાળુઓ, ઇડર શહેરની ટ્રાફિક સમસ્યા ને કોઈ લેવા દેવા જ નથી ! આનાથી ફલિત થાય છે કે ધારાસભ્ય ઇડરની ભૂગોળ થી વાકેફ જ નથી. તેમને ઇડરની જરૂરિયાતવાળા બાયપાસ અને નવા પ્રોજેક્ટ અંગે પૂરી જાણકારી જ નથી.

ધારાસભ્યને ખબર જ નથી કે ઇડરની પ્રજા કયા બાયપાસ માટે માગણી કરી રહી છે
ઇડરના કોંગી નેતા વિનોદ પરમારે ઇડર ધારાસભ્યની પોસ્ટ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મહેસાણા થી શામળાજી જતો ટ્રાફિક બહુ ઓછો છે હિંમતનગર તરફથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી અંબાજી જતા ટ્રાફિકની જ ભરમાર રહે છે અને તેની જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે વળી, મણીયોરથી બડોલી બાયપાસ અંબાજી જતા ટ્રાફિક માટે ઉપયોગી છે જ નહીં બડોલી પહોંચી પરત આવી લોકો અંબાજી જશે? ધારાસભ્ય ને ખબર જ નથી કે ઇડરની પ્રજા કયા બાયપાસ માટે માગણી કરી રહી છે.

ખેડૂતો જમીન વિહોણા બની જશે
સાપાવાડામાં સોમવાર રાત્રે 9 વાગે મળેલી ખેડૂતોની સભામાં લાલોડા,બડોલી, મણિયોર સાપાવાડા ગામના 200થી વધારે ખેડૂતો હાજર રહ્યા હતા. ઇડર બડોલી બાયપાસનો સખત વિરોધ કરીને રોડ બંધ કરાવવા માટે એક મત થયા હતા. કારણકે આ બાયપાસ બનવાથી કેટલાય નાના ખેડૂતોની જમીન રોડમાં જતી રહેશે અને ખેડૂતો જમીન વિહોણા બની જશે આ રોડ બનવાથી નાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે જેથી ઇડર બડોલી બાયપાસનો લાલોડા મણિયોર બડોલી સાપાવાડાના 200થી વધારે ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો બાયપાસના વિરોધમાં આવેદનપત્ર અપાશે અને આંદોલનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...