ઐતિહાસીક ધરોહરને ખનન મુક્ત કરવા વિનંતી:ઇડરમાં મનસુખ માંડવિયા આવે એ પહેલા સમિતિ દ્વારા આવેદન પત્ર અપાયું; અંગત હિતોના કારણે ભાજપા પાર્ટી પ્રત્યે રોષ

સાબરકાંઠા(હિંમતનગર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈડર ગઢ તેના ગૌરવપૂર્ણ ઈતિહાસ, ધાર્મિક, પર્યાવરણીય, અને પ્રવાસનના મહત્ત્વના કારણે જગપ્રસિધ્ધ છે. ઈડર ગઢ ઉપર તમામ ધર્મ, સંપ્રદાયોના મંદિરો, દેરાસરો, પુરાતન કિલ્લાઓ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીની તપોભુમિ જેવા વિશિષ્ટ સ્થળો આવેલા છે. ત્યારે ઐતિહાસીક ધરોહરને ખનન મુક્ત કરવા અહીં પધારી રહેલા મંત્રી મનસુખ માંડવિયાને ઇડર ગઢ બચાવો સમિતિએ આવેદન પત્ર આપ્યું છે.

2017થી આંદોલન પણ હજી નિરાકરણ નહીં
આ ઈડર ગઢ વિસ્તારમાં ખનન શરૂ થતાં સમગ્ર પ્રજાએ રાજકારણથી પર રહી એકી અવાજે ખનનનો વિરોધ કર્યો છે. આ અનુસંધાનમાં વખતો વખત ઈડરગઢ બચાવ સમિતીએ રાજ્યના મુખ્યમંત્રીઓને સંદર્ભીત ખાતાના અધિકારીઓને આવેદન પત્રથી રજુઆત કરી છે. આ ઉપરાંત આ ઐતિહાસીક ધરોહરને બચાવવા માટે વર્ષ 2017થી વખતો વખત રેલી, ઉપવાસઆંદોલન, સ્વયંભુ ઈડર બંધ જેવા કાર્યો સફળતા પૂર્વક કરી ખનન વિરુદ્ધ પોતાનો પ્રચંડ અવાજ રજૂ કર્યો છે.

કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજ દિન સુધી ખનન ચાલુ
તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આદેશથી કામ ચલાઉ રીતે અઢી વર્ષ ખનન બંધ રહ્યાં પછી જુન 2021થી ઈડર ગઢ ઉપર ફરીથી પુરજોશથી ખનન પ્રવૃત્તિ શરૂ થઈ છે. ફરી શરૂ થયેલી ખનન પ્રવૃત્તિને બંધ કરાવવા માટે તા.12/08/2021ના રોજ સમગ્ર વિસ્તારની પ્રજાએ સ્વયંભુ ઈડર બંધ પાળી પોતાનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ તેમજ લેખીત રીતે આ સંદર્ભે રજુઆત કરી છે. આ ઉપરાંત આ વિસ્તારના સર્વ પ્રજાજનોએ 4500 જેટલા પોસ્ટકાર્ડ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લખી પોતાની લાગણી બતાવી છે. પરંતુ અફસોસ અને આક્રોશ સાથે કહેવું પડે છે કે પ્રજાની લાગણીની ધરાર અવગણના કરી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા આજ દિન સુધી ખનન ચાલુ છે.

આવનારી ચૂંટણીઓમાં આ બાબતના પડધા પડશે
​​​​​​​
આ આંદોલનની શરૂઆત રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘના અદના કાર્યકર સ્વ. રમણીકભાઈ ભાવસાર જેવા વયસ્કોએ કરેલી છે. આ વિસ્તારની સમગ્ર પ્રજા વિધાનસભા, લોકસભા કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી વખતે હંમેશા ભાજપાની સાથે જ રહી છે. કેટલાક સ્વાર્થી રાજકારણીઓના અંગત હિતોના કારણે આખી ભાજપા પાર્ટી પ્રત્યે સમગ્ર પ્રજામાં ખુબ રોષ છે. આવનારી ચૂંટણીઓમાં આ બાબતના પડધા અવશ્ય પડશે જ.

તાત્કાલિક જરૂરી પગલાં લેશો તેવી ખાસ વિનંતી
આપ આ બાબતમાં ખાસ રસ લઈ આ વિસ્તારના સહુની લાગણી સમજી અને સંપૂર્ણ ઈડર ગઢનું ખનન અટકાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેશો તેવી ખાસ આશા સહ વિનંતી ઇડર ગઢ બચાવો સમિતિએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...