ઈડરના લાલોડા રોડ પર આવેલ સોસાયટીના મકાન માટે આવાસ ફાઇનાન્સ લિમિટેડ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાંથી રૂ.14,86,189ની લોન લીધા બાદ લોન ન ભરતાં ફાઇનાન્સ કંપનીએ દસેક માસ અગાઉ મકાનનો કબજો લઈ સીલ માર્યું હતું સીલ તોડી લોન લેનાર શખ્સે મકાનનો કબજો લઈ લીધો હોવાની તાજેતરમાં જાણ થતાં ફાઇનાન્સ કંપનીએ ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઇડરના લાલોડા રોડ પર આવેલ શ્રી કૃપા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મકાન નંબર 13 અને પ્લોટ નંબર 12 ઉપર પદમસિંહ પંપસિંહ રાજગોરે જયપુરની આવાસ ફાઇનાન્સ લિમિટેડ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની હિંમતનગર બ્રાન્ચમાંથી તા.31-03-16 ના રોજ ₹14,86,189 ની હોમ લોન લીધી હતી.
ત્યારબાદ લોનની નિયમિત ચુકવણી કરી ન હતી અને થોડા હપ્તા ભર્યા બાદ પૈસા ભરવાનું બંધ કરી દેતા તેમનું લોન ખાતું એનપીએ થયું હતું અને તા. 23-06-21 ના રોજ ફાઇનાન્સ કંપનીએ વસૂલાત કામગીરી હાથ ધરી હતી. તા. 7-5-22 ના રોજ સીલ મારી મિલકતનો ભૌતિક કબજો કંપનીએ મેળવ્યો હતો.
તા.17-02-23ના રોજ ગીરો મુકેલ મિલકતની કંપની દ્વારા તપાસ હાથ ધરતાં પદમસિંહ પંપસિંહ તથા તારાકવર પદમસિંહ અને અન્ય બે શખ્સોએ આ મિલકતનો કબજો લઈ લીધો હોવાનું તથા અધિકૃત અધિકારી દ્વારા સ્થાપિત લોકનું સીલ તોડીને ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોવાનું જાણવા મળતાં આવાસ ફાઇનાન્સ કંપનીના અભિલાષ વિશ્વનાથ ઉન્નીથાન દ્વારા ઇડર પોલીસ સ્ટેશનમાં પદમસિંહ પંપસિંહ રાજગોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.