આખા વિશ્વમાં 17 મી એપ્રિલનો દિવસ વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો જન્મજાત હિમોફિલિયા રોગથી પીડાઈ રહેલા રાજપીપળાના વણિક પરિવારમાં જન્મેલા અને ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા દિવ્યેશભાઈ ગાંધીને યાદ કરવા જ રહ્યા. 2012 પેહલા આ રોગની સારવાર ખર્ચાળ હતી, જેથી એમનામાં જેતે વખતે સારવારના અભાવે શારીરિક ખોડ ખાપણ ઉભી થઈ, એમને ચાલવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
લગ્ન બાદ જો શારીરિક ખોડ ખાપણ ઉભી થાય તો પત્ની પોતાના ભવિષ્ય ખાતર પતિને છોડી દેવામાં બિલકુલ ખચકાટ અનુભવતી ન હોવાના કિસ્સાઓ સામે આવે જ છે, પણ દિવ્યેશ ગાંધીની પત્ની મનીષા ગાંધી એમની તમામ ચાકરી કરે છે. એમના લગ્ન થયા ત્યારે પત્નીને ખબર હતી કે સમય જતા પતિની હાલત ખરાબ થવાની છે તે છતાં પ્રેમલગ્ન કર્યા અને ખડે પગે રહી મનીષાબેન સેવા ચાકરી કરી રહ્યાં છે.
ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ કરાવવાનો શ્રેય દિવ્યેશ ગાંધીને જ જાય છે. 2012માં ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલોમાં સરકારી રાહે અમૂક જ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સારવાર માટેનો નિર્ણય લીધો. દિવ્યેશભાઈ ગાંધીએ જેતે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પીએમ મોદી સુધી લેખિત રજૂઆતો કરી આ રોગથી પીડાતા દર્દીઓની વ્યથાઓ વિશે માહિતગાર કર્યા.
અંતે ગુજરાત સરકારે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો, આજે દિવ્યેશભાઈ ના પ્રયાસોને પરિણામે જ આ શક્ય બન્યું છે.એવી જ રીતે દિવ્યેશ ગાંધી અને ડો.દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લામાં સિકલસેલની સારવાર શરૂ કરવા 2017 ગુજરાત સરકારને રજુઆત કરી હતી.
ગર્ભધારણના 4 અઠવાડિયા પછી પ્રી નેટલ ટેસ્ટ રોગની માહિતી મળી શકે છે
માનવીય શરીરમા એકસ નામના રંગસૂત્રમાં કોઈ ખામી સર્જાય તો હિમોફિલીયા થઈ શકે છે. પુરુષના શરીરમાં એક અને સ્ત્રીના શરીરમાં બે એક્સ નામના રંગ સૂત્રો હોય છે. જો સ્ત્રીના બે એક્સ રંગસૂત્રો પૈકી એક એક્સ રંગસૂત્રમાં તકલીફ ઊભી થાય તો આ બીમારી સગર્ભા સ્ત્રીને જન્મનાર બાળકને થઈ શકે છે. એટલે હિમોફિલિક વ્યક્તિની બહેન જ્યારે ગર્ભવતી થાય ત્યારે ગર્ભધારણના 4 અઠવાડિયા પછી પ્રી નેટલ ટેસ્ટ થાય છે. જો એ ટેસ્ટ પોઝિટિવ આવે અને ગર્ભપાત થાય તો જ વારસાગત બીમારી નાબૂદ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.