તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:દેશના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી માટે ઇ-વ્હીકલ ખરીદવા સરકારી એજન્સી, SOU સબસીડી આપશે

રાજપીપલા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયાના સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટરમાં જ મહિલાઓને ડ્રાઇવિંગની નિ:શુલ્ક તાલીમ
  • ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરાશે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને ઈ-સિટી બનાવવા માટેનો રોડમેપ તૈયાર

વિશ્વ પર્યાવરણ દિવસે રાષ્ટ્ર જોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની આસપાસ કેવડિયા વિસ્તારને દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ શહેર બનાવવાની જાહેરાત કર્યાના બીજા દિવસે જ SOU ઓથોરિટી દ્વારા ઈ-વાહનો અંગેની પરિયોજનની પ્રાથમિક ઝલક જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે ઈકો ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક, આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો અમલમાં મુક્યા છે. જેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. નવા પ્રકલ્પોમાં પણ સ્થાનિકોને વિવિધ તબક્કે સમાવેશ કરી રોજગારી આપવાનું નક્કી કર્યું છે.

SOU પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયાસોનાં ભાગરૂપે બેટરી સંચાલીત વાહનો ચલાવવાનો નિર્ધાર PM મોદીએ વિશ્વ પર્યાવરણ દિને વ્યક્ત કર્યો છે. તેને સાકાર કરવા માટે ઉચિત સબસીડી પણ આપવામાં આવશે.વડાપ્રધાનના આ નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. આ સમગ્ર યોજના SOUADTGA વિસ્તારમાં તબક્કાવાર લાગુ કરાશે અને જાહેર કરાયેલા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો ફેરવી શકાશે.

આ વિસ્તારને માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ માટે આરક્ષિત કરાતાં હવા અને અવાજનું પ્રદુષણ ઘટશે. આ અજોડ પ્રવાસન સ્થળની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાશે. એટલું જ નહીં પણ ભારતના અને વિશ્વના વિવિધ સ્થળોએથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વ્યવસ્થા નિહાળીને પર્યાવરણની જાળવણી માટે વધુ સજાગ અને પ્રોત્સાહિત બનશે. અહીંથી તેઓ સંદેશો લઈને પરત જશે.

ઈ-રિક્ષા ચલાવનાર કંપનીએ SOUADTGA વિસ્તારમાં ઓછામાં ઓછી 50 રિક્ષાઓ પ્રારંભે ચલાવવાની રહેશે
ઈ-વાહનો ખરીદવા GEDA સહાય કરશે

કેવડિયા ઈ-સિટીમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી બસો પણ ડિઝલના બદલે ઇલેક્ટ્રિક બસો વપરાશે. SOU વિસ્તારનાં રહેવાસી અને પુખ્ત વયના વ્યક્તિઓને દ્વિ-ચક્રી ઇ-વાહનો ખરીદવા માટેની સહાય આપવામાં આવશે. દ્વિ-ચક્રી વાહનના લાભાર્થીને GEDA દ્વારા આપવામાં આવતી સહાય ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી પણ ઉચિત સબસીડી મળશે.

ઇ-રિક્ષા ચલાવનાર કંપનીએ એપ વિકસાવવી પડશે
ઇ-રિક્ષા ચલાવનાર કંપનીએ SOU વિસ્તારમાં ઓછામાં ઓછી 50 રિક્ષા પ્રારંભે ચલાવવાની રહેશે. ઇ-રિક્ષા ચલાવનાર કંપનીએ આ માટે સ્માર્ટ મોબાઈલ એપ જેવી OLA અને UBER ની છે તેવી વિકસાવવાની રહેશે. જેમાં વિવિધ પ્રવાસીય સ્થળો અને અંતર અને નિયત ભાડા સહિતનો ઉલ્લેખ હશે. SOUADTGAનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે પણ આ વિસ્તારમાં ઈ-રીક્ષાની યોજના લાગુ કરવામાં આવશે.

મહિલાઓને રોજગારી માટે ઈ-રિક્ષામાં પહેલું પ્રાધાન્ય
ઈ-રીક્ષા ચલાવવા ઈચ્છુક લાભાર્થીએ આ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો નહીં ચલાવવા અંગેની બાંહેધરી આપવાની રહેશે. ત્યારબાદ જ તેમને ઈ-રીક્ષા માટે લાભ અપાશે. ઇ-રીક્ષા ચલાવવા માટે ચાલકની પસંદગીમાં SOU વિસ્તારની મહિલાઓ અને હાલના રીક્ષાચાલકોને રોજગારી મળી રહે તે માટે તેમને પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે.

કેવડિયા ખાતે પ્રદુષણ ફેલાવતા કોઈ ઉદ્યોગો નથી, બે જળ વિદ્યુત મથકો છે જે વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય મિત્ર જેવી વિદ્યુત ઉત્પન્ન કરે છે. મહિલા ચાલકને કેવડીયાનાં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે વાહન ચલાવવાની વિધિસરની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...