ભરૂચ જિલ્લાના કરજણ તાલુકામાં રેતી ભરેલી ટ્રકની અડફેટે બાઈક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.આ ઘટનાના બીજા દિવસે ભાજપ સાંસદ મનસુખ વસાવા અને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા અકસ્માત સ્થળે ફુલહાર માટે પહોંચ્યા હતા.એ દરમિયાન ત્યાં હાજર કરજણના મામલતદાર અને સર્કલ ઓફિસર તથા મનસુખ વસાવા વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. મનસુખ વસાવાએ અધિકારીઓ પર હપ્તા લેતા હોવા સહિતના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.જો કે સાંસદે મામલતદારને અપશબ્દો બોલતા મામલો ગરમાયો હતો.
મનસુખ વસાવાના આ વર્તન વિરુદ્ધ ગુજરાતના મામલતદારો સહીત અન્ય અધિકારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.એમણે ગુજરાતના મુખ્યમંત્રીને આ મામલે લેખિત રજુઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.મનસુખ વસાવા અને મામલતદારો વચ્ચેનો વિવાદ ઘટવાને બદલે વધી રહ્યો છે, મામલતદારો પણ હાર માનવા બિલકુલ તૈયાર નથી તો બીજી બાજુ મનસુખ વસાવા પણ કોઈ દાદ આપતા નથી. આ તમામની વચ્ચે મનસુખ વસાવાએ આંદોલન કરી રહેલા મામલતદારો પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
મનસુખ વસાવાએ જણાવ્યું છે કે એ અકસ્માત જોયા બાદ સ્થળ પર ખાણ ખનીજના અધિકારીઓ, હાજર મામલતદારની ટીમ, જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો ઉપર રોષ વ્યક્ત કર્યો હતો.જેમાં ફક્ત મામલતદારોએ બંધ બેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી, વીડિયો રેકોર્ડિંગમાં ફક્ત મામલતદાર અને સર્કલ ઓફિસર સાથેની ચર્ચા બતાવવામાં આવી છે પણ જે રેકોર્ડિંગમાં હું સ્થાનિક રાજકીય આગેવાનો અને ખાણ ખનીજના અધિકારીશઓ સાથેનું રેકોર્ડિંગ કેમ બતાવવામાં આવતું નથી ? મારી સાથે લડવાના ઇરાદાવાળાઓ જેટલું લડવું હોય એટલું લડી લેજો મારી લડાઈ સત્ય માટેની છે, રેત માફિયાઓ, ભૂ- માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ સામેની છે. આ કાળી પટ્ટી ધારણ કરી આંદોલન કરનારાઓના પડદા પાછળ રેત માફિયાઓ અને ખાણ - ખનિજના ઉચ્ચ અધિકારીઓ કામ કરી રહ્યા છે. મને જે સજા કરાવી હોય એ કરાવજો પણ હું પૂરી તાકાતથી ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર સામે લડી લઈશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.