નર્મદાના નાંદોદ તાલુકામા આવેલ જીઓરપાટી ગામે પોતાના ખેતરે જતા એક 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો, આ વૃદ્ધ હિંમત પૂર્વક દીપડાનો સામનો કરી મોતના મુખમાંથી પોતાને છોડાવી તેઓ ગામ તરફ દોડ્યા હતા, જોકે તેઓ ગંભીર રૂપે ઘાયલ થવાથી રસ્તામાં ઢળી પડ્યા હતા, જીઓરપાટી ગામના સરપંચને ખબર મળતા તેઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, તેમજ આધેડને રાજપીપળા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા, જોકે રાજપીપળા રેન્જ ફોરેસ્ટર જીગ્નેશ સોની તાત્કાલિક જીઓરપાટી ગામે આવી પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ ફોરેસ્ટ વિભાગ ની અન્ય ટીમે સરકારી હોસ્પિટલમાં દાખલ આધેડની મુલાકાત લઈ બનાવની ગંભીરતા જોઈ વહેલી તકે પાંજરું મૂકી માનવ ભક્ષી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જીઓરપાટી ગામે અવાર નવાર દીપડા દેખાતા હોય છે, અગાઉ આજ વિસ્તારમાં ઘરના આંગણે બાંધેલ ગાયનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું ત્યારે પણ ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા અગાઉ બે દીપડા પાંજરામાં ઝડપાયાઇ ચુક્યા છે, પરંતુ પ્રથમ વખત જીઓરપાટી ગામે દીપડાએ માનવ પર હુમલો કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.