આનંદો:નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટી 138.68 મીટરે છલોછલ ભરાયો, આજે ડેમનાં વધામણાં કરીને ગુજરાતે PMને જન્મદિવસની ભેટ આપી

કેવડિયાએક વર્ષ પહેલા
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ નર્મદા મૈયાનું પૂજન કર્યું. - Divya Bhaskar
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ નર્મદા મૈયાનું પૂજન કર્યું.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી તેમની ઓફિસમાંથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં
  • રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ નર્મદા મૈયાનું આરતી અને પૂજન કરીને વધામણાં કર્યાં
  • મા નર્મદાના જળથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશે, આગામી બે વર્ષ સુધી ડેમમાં પાણી ખુટશે નહીં: CM

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ છલોછલ ભરાઈ ગયો છે. આજે 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસે રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ આરતી અને પૂજન કરીને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં હતાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસમાંથી વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં હતાં અને મોદીને જન્મદિવસની ભેટ આપી હતી. આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખુબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી પૂજા કરીને નર્મદા મૈયાના વધામણા કર્યાં હતા
CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી પૂજા કરીને નર્મદા મૈયાના વધામણા કર્યાં હતા

PM મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 7 વર્ષ સુધી UPAની સરકારે ડેમના દરવાજા પણ લગાવવાની મંજૂરી આપી ન હતી પણ નરેન્દ્ર મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર ગણતરી દિવસોમાં ડેમના દરવાજા લગાવવાની અને બંધ કરવાની મંજૂરી તેમજ ગયા વર્ષે ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી પણ આપી. નર્મદા ડેમનું સંપૂર્ણ કામ આપણે પુરૂ કર્યુ. તેના ફળ સ્વરૂપે કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં છેવાડાના ગામ સુધી, 700 કિ.મી. સુધી આ નર્મદાના પાણીને પહોંચાડીને ગુજરાતની જનતાને આપણે સિંચાઇ, ખેતી અને પીવાના પાણી આપી શક્યા છીએ. PM મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ. મા નર્મદે સર્વદે ખરા અર્થમાં સાબિત થઈને ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલોછલ ભરાયો.
આ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલોછલ ભરાયો.

આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે પુન: સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ 138.68 મીટરની સપાટીએ ભરાયો છે અને આજે મા નર્મદા પવિત્ર નીરના ઇ-વધામણાં કર્યાં છે. આવનાર બે વર્ષ સુધીમા નર્મદાનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારીને વિકાસની નવી દિશા કંડારશે. જળ વિના જીવન નહી અને પાણી વિના વિકાસ નહી. ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે અને મા નર્મદાના આર્શિવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને મુખ્યમંત્રીએ ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

નર્મદા ડેમના 23 ગેટ ખોલીને 1.10 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાયું
કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તે લોકોને જ કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નર્મદા ડેમના 23 ગેટ ખોલીને 1.10 હજાર ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.

નર્મદા મૈયાની આરતી.
નર્મદા મૈયાની આરતી.

નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે અને સારો પાક મેળવી શકશે. સૌરાષ્ઠ, કચ્છ અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતને પાણી મળી રહેશે. નર્મદા ડેમની સપાટી વધારવાની મંજૂરી આપનાર PM મોદી મોદીનો હું આભાર માનું છું. તેમના કારણે જ નર્મદા ડેમમાં આટલા મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શક્યો છે.

નર્મદા ડેમ એની સર્વોચ્ચ સપાટી 138.68 ઉપર પહોંચ્યો.
નર્મદા ડેમ એની સર્વોચ્ચ સપાટી 138.68 ઉપર પહોંચ્યો.

ગત વર્ષે 15 સપ્ટેમ્બરે નર્મદા ડેમ ભરાયો હતો, 17 સપ્ટેમ્બરે મોદીએ વધામણાં કર્યાં હતાં
ગત વર્ષે 15 સપ્ટેમ્બર,2019ના રોજ નર્મદા ડેમ ભરાયો હતો અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી નર્મદા પૂજન માટે આવ્યા હતા, જ્યારે આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસમાંથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં હતાં અને રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ પૂજા કરીને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં હતાં.

સરદાર સરોવર નર્મદા ડેમ.
સરદાર સરોવર નર્મદા ડેમ.

(અહેવાલ અને તસવીરોઃ પ્રવીણ પટવારી)

અન્ય સમાચારો પણ છે...