આયોજન:ગોફ ગુંથણ રાસ નિહાળી મહેમાનો પ્રભાવિત, કચ્છી રાસે રંગત જમાવી

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયા ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભાતીગળ સંસ્કૃતિની પ્રસ્તુતિ

80મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના પ્રથમ દિવસે દેશભરમાંથી આવેલા મહેમાનોને ગુજરાતની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના જુદા-જુદા પ્રાંતમાં થતા નૃત્યો અને રાસની કૃતિઓની કલાકારોએ અદ્દભૂત પ્રસ્તુતિ કરી હતી. જે નિહાળીને ઉપસ્થિ મહાનુંભાવો આફરીન પોકારી ઉઠ્યા હતા.આ કાર્યક્રમમાં સર્વ પ્રથમ ભાવનગરની કલાપથ સંસ્થા દ્વારા “ખડાવડ નૃત્ય” અને “મિશ્ર રાસ” રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં 12 કલાકારોએ પોતાની કલાનો પરિચય કરાવ્યો હતો.

આ નૃત્યમાં કૃષિકાર્ય સાથે જોડાયેલા મહિલા ખેડૂતોની પરંપરા રજૂ કરવામાં આવી હતી.એ બાદ “રાવણ હથ્થા” અને “દેશી વાંજીત્રો”ને સથવારે ગાંધીનગરના પનઘટ કલાકેન્દ્ર દ્વારા “કચ્છી રાસ” રજૂ કરવામાં આવ્યો હતો. સાથે ગવાતા ગીતોના બોલ પણ કચ્છીમાં હતા.જાણીતા કલાકાર ગોપાલભાઇ ભરવાડ અને તેની રાસ મંડળીએ “ગોફ ગુંથણ” રાસની પ્રસ્તુતી કરી હતી. જેમાં એક લાકડી ફરતે દોરીઓ વીટીને રાસ રમવામાં આવે છે. આ રાસ એવી રીતે રમવામાં આવે છે કે, એ દોરીઓથી લાકડી ઉપર ભાત પડી જાય છે.

એ જોઇને ઉપસ્થિતો દંગ રહી ગયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મા નર્મદાનું મહિમા મંડન કરતા સ્ત્રોત “નર્મદા અષ્ટકમ”નું પણ ગાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ સહિત મહાનુભાવોએ કાર્યક્રમ માણીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...