બેઠક:સરહદી વિસ્તારો સુધી કનેક્ટિવિટી પહોંચાડાશે: કેન્દ્રીય સંચાર મંત્રી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOU ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પોસ્ટ-ટેલિકોમ્યુનિકેશન વિભાગની રિવ્યૂ બેઠક મળી

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને 2 મેના રોજ એકતા નગર (કેવડીયા) ખાતે નર્મદા નિગમના સર્કિટ હાઉસમાં પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, બી. એસ.એન.એલ અને બી.બી.એન.એલની રિવ્યૂ બેઠક મળી હતી. મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતનાં બોર્ડર વિસ્તારના 60 ગામોને આવરી લેવા માટે રૂપિયા 41 કરોડના ખર્ચે 50 નવા ટાવર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 37 ગામોને આવરી લેવાયા છે. બાકીના 13 ગામોને જૂન 2022 સુધીમાં મોબાઈલ કવરેજ મળશે. મોબાઈલ સુવિધાથી વંચિત ગુજરાતના 317 ગામડાઓને પણ આ સુવિધા આપવામાં આવશે.

આ નાણાકીય વર્ષમાં લગભગ રૂ. 1.6 કરોડના ખર્ચે 11 નવી પોસ્ટ ઓફિસ ઈમારતોનું નિર્માણ થઈ રહ્યું છે. 17 વધુ ઈમારતોના નિર્માણ માટે પરિયોજના પણ બનાવવામાં આવી છે. દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના ટ્રાયબલ વિસ્તારમાં કનેક્ટિવિટી માટે યુ.ઈ.એફ.ના ફંડમાંથી 5 ટકા ફંડનો ઉપયોગ કરી નવું ઈન્ફાસ્ટ્રક્ચર ઉભુ કરાશે. બી.એસ.એન.એલના ગ્રાહકો ઓછા હોવાનું કારણ 4જી સેવાનો અભાવ છે.

માત્ર 8-10 મહિનામાં જ દેશમાં ઇન્ડીજીનીયસ 4જી સેવા શરૂ થશે. ગુજરાતમાં 2જી, 3જીના ટાવરો 4જીમાં કન્વર્ટ થઈ રહ્યા છે. જ્યાં સિગ્નલ નથી જતું તેવા વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ કરી સિગ્નલ પહોંચાડવા જરૂરી વ્યવસ્થા કરવા વિભાગમાં સૂચના અપાઈ છે. દેશમાં બી.એસ.એન.એલની 5જીની સેવા શરૂ કરવા ટ્રાઈ સંસ્થાએ સ્પેક્ટ્રમના ભાવ નક્કી કરી સરકારમાં મોકલ્યા છે. ટુંક સમયમાં 5જી સ્પેક્ટ્રમનું ઓક્શન પણ થવાનું છે.

સંચાર મંત્રીના અરવિંદ કેજરીવાલ પર પ્રહાર
ભારતના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે કેજરીવાલ અને AAP-BTP ગઠબંધ પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલ પંજાબને ખાલિસ્તાનને સોંપવા જઈ રહ્યા છે. તેમની માનસિકતા રાષ્ટ્ર વિરોધી છે, અરવિંદ કેજરીવાલની રાજનીતિ રાષ્ટ્ર વિરોધી છે. સત્તા મેળવવા દિલ્હીમાં હિંસા કારાવી, જેઓ આસામ રાજ્યને અલગ કરવાની માંગ કરતા હતા. આ સાથે કોંગ્રેસ પણ નકારાત્મક વલણના લીધે આજે એક પ્રાંતની પણ પાર્ટી રહી નથી. કહી ભારતમાં લોકો નકારાત્મક રાજનીતિનો સ્વીકાર કરતા નથી.

BSNL સુરક્ષિત બનશે
પાકિસ્તાનને અડીને આવેલા કચ્છ અને બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના સીગ્નલ પકડાતા હોય છે. જેનાથી સુરક્ષા પર જોખમ ઉભું થાય તેમ હોવાથી કેવડિયા ખાતે યોજાયેલી બેઠકમાં ચર્ચા થઈ છે. જેમાં જરૂરી તમામ ઈન્ફાસ્ટ્રક્ચર આપી પાકિસ્તાનનું સિગ્નલ ન આવે અને ભારતનું સિગ્નલ આવે તેવી વ્યવસ્થા કરી કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે. તે બાબતને મંજૂરી આપવામાં આવી છે. હવે પાકિસ્તાનમાં BSNLનું નેટવર્ક પકડાશે પણ પાકિસ્તાનનું ભારતમાં નેટવર્ક નહીં પકડાય તેવી સંચારમંત્રીએ ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...