કોંગ્રેસના ધારાસભ્ય અભિભૂત થયા:સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા MLA નૌસાદ સોલંકીએ સરકારનાં વખાણ કરી કહ્યું, ‘અતિસુંદર સ્થળ બનાવ્યું’

રાજપીપળા3 મહિનો પહેલા
  • ધારાસભ્ય નૌસાદ સોલંકીનો સ્ટેચ્યૂની મુલાકાત બાદના પ્રતિભાવનો વીડિયો વાઇરલ થયો

સુરેન્દ્રનગરના દશાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકી પોતાના પરિવાર સાથે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા આવ્યા હતા. વિકસિત કેવડિયા સ્થળ જોઈ કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ સરકારના વખાણ કરી એક સુંદર સ્થળ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોતાના પ્રતિભાવોનો વીડિયો SOU વિભાગ દ્વારા બનાવી આ વીડિયો SOUની ટ્વીટ એકાઉન્ટ ઉપર અપલોડ કરતાં વિવાદ સર્જાયો છે.

રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો
એક બાજુ, કોંગ્રેસના આગેવાનો સ્ટેચ્યૂ પાછળના ખર્ચ અને સ્થાનિકોને રોજગારીના મુદ્દા લઈને વિરોધ કરતા હોય અને કોંગ્રેસના ધારાસભ્ય આવી સરકારની વાહવાહી કરે આ વિડિઓ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે ધારાસભ્ય નૌસાદ સોલંકીએ ઓરીજનલ વિડિઓ SOU, CMO, વિજય રૂપાણી અને નીતિન પટેલને ટ્વીટ કરી બતાવી સાચી વાત કહી ખુલાસો કરવો પડ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
ધારાસભ્ય નૌસાદ સોલંકીએ પોતાના પ્રતિભાવોના વિડીઓમાં બોલ્યા છે કે વિશ્વની ધરોહર જેને કહી શકાય એવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેને આખા દેશને અખંડિત બનાવ્યો, આઝાદીબાદ દેશના રજવાડાઓને જેને એક કર્યા અને અખંડ ભારતનું જેણે નિર્માણ કર્યું એવા આપણા શિલ્પી મહાપુરુષ સ્વ.સરદાર પટેલ સાહેબની પ્રતિમા 182 મીટરની અહીં બનાવવામાં આવી છે જેની આજે મુલાકાત લીધી અને એ મુલાકાત દરમિયાન મારા જે અનુભવો એમ કહી શકાય કે અવિશમરણીય થયા છે. મારા અહીંયા આવતા જ ગુજરાત સરકારનો સ્ટાફ છે, પ્રોટોકોલ ઓફિસર,ડે કલેકટર ટેન્ટસિટીનો સ્ટાફ સિકયુરીટી સ્ટાફ તેમણે જે રીતે મારું સ્વાગત કર્યું એ પણ અવિસ્મરણીય છે. ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રકલ્પોને નિહાળી પ્રફુલ્લિત થયા હોવાનું જણાવ્યું હતું.