તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવડિયા હશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર:યુરોપની જેમ બેટરીથી ચાલશે કાર, બસ અને બાઈક, આદિવાસી મહિલા-પુરુષો સંચાલન કરશે

રાજપીપળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો
  • કેવડિયા સફારી પાર્કની જીવસૃષ્ટિ પણ આ નિર્ણયથી સુરક્ષિત રહી શકશે

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ શહેર બની જશે, જ્યાં પ્રવાસીઓને આવનજાવન માટે ફક્ત ઈલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરાશે. આ પહેલથી સ્ટેચ્યૂ જ નહીં, કેવડિયા સફારી પાર્કની જીવસૃષ્ટિ પણ સુરક્ષિત રહેશે.

આ વર્ચ્યુઅલ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તમને ભવિષ્યની એક યોજના વિશે જણાવવા માંગુ છું. ગુજરાતના સુંદર શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત બેટરી આધારિત વાહનોને જ પ્રાથમિકતા અપાશે. કેવડિયા ગુજરાતનું એ શહેર છે, જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે પ્રવાસનને ઘણો વેગ મળ્યો છે. આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું. આ મુદ્દે નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલ (એનટીએસી)ના પૂર્વ ચેરમેન અને પૂર્વ પ્રવાસન મંત્રી કે. જે. અલફોન્સે કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થશે.

ઈલેક્ટ્રિક બસ અને અન્ય પાર્કિંગ સ્ટેન્ડ પણ તૈયાર કરાશે
કેવડિયામાં ઈલેક્ટ્રિક બસ સહિતના વાહનો ફરજિયાત થઈ રહ્યા છે. હમણાં સુધી અહીં પ્રવાસીઓ માટે 80 બસ દોડાવાતી હતી. તેના માટે બસ સ્ટેન્ડ પણ બનાવાયા હતા. હવે આ બસોના બંધ થતાં ત્યાં ઈ-બસો પાર્ક કરાશે. અહીં બીજા ઈ-વ્હિકલ પાર્ક કરવાની પણ વ્યવસ્થા કરાશે.

ઈ-વ્હિકલની પ્રેરણા યુરોપમાંથી મળી
કેવડિયામાં ઈ-વ્હિકલ યોજનાની પ્રેરણા યુરોપના દેશોમાંથી મળી છે. અહીં ફ્રાંસ, જર્મની અને ઈટાલી વગેરે જેવા દેશોમાં પ્રવાસીઓ ઈ-બાઈક્સ જ પસંદ કરે છે. વર્ષ 2020માં યુરોપમાં ઈ-વ્હિકલની લોકપ્રિયતા ખૂબ વધી છે. એ વર્ષે ત્યાં 4 બિલિયન ડૉલરની કિંમતના ઈ-બાઈક્સ વેચાયા છે.

કેવડિયાના વાગડિયાથી પ્રદૂષણ ઓકતાં વાહનો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો
નર્મદા જિલ્લામાં 42 ટકા વન વિસ્તાર છે. અહીંનું વાતાવરણ શુદ્ધ અને ખુશનુમા રહે તે માટે કેન્દ્ર સરકારે અહીં મોટા ઉદ્યોગો નહીં સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારે હવે કેવડિયાને નો પોલ્યુશન ઝોન જાહેર કરીને કેવડિયાના વાગડિયાથી પ્રદૂષણ ઓકતા વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે અહીં ઈ-વ્હિકલ જેવા કે બસ, કાર, રિક્ષા વગેરે દોડશે. તેમાં પણ સ્થાનિક આદિવાસીઓને જ યોગ્ય તાલીમ આપીને રોજગારીની તક અપાશે. જે સ્થાનિકોને આદર્શ ગામમાં શિફ્ટ કરાયા છે.

આ પ્રકારનું દેશનું પહેલું ઈનિશિયેટિવ
કેવડિયામાં બે વર્ષ પહેલાં દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ ટુરિઝમ ઈનિશિએટિવ લૉન્ચ કરાયું હતું. અહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઈકો ફ્રેન્ડલી ઈ-બાઈક્સનું પણ ઉદઘાટન કરાયું હતું. એ વખતે તત્કાલીન પ્રવાસન મંત્રી અલફોન્સે કહ્યું હતું કે, ‘હવે અહીં સ્વાભાવિક રીતે પ્રવાસન વધશે. પ્રવાસીઓ ઈ-બાઈક્સની મદદથી જ સ્ટેચ્યૂ જશે અને અહીંના ઈતિહાસને સમજશે.’ હાલ કેવડિયામાં બી-લાઈવ તરફથી ઈ-બાઈક્સ સર્વિસ અપાય છે. આ માટે તેઓ બે કલાકનું રૂ. 1500 ભાડું વસૂલે છે.

ભારત 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથોનેલ મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરશે : મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત 2025 સુધી પેટ્રોલમાં 20% ઈથોનેલ મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પહેલાં આ લક્ષ્ય 2030 સુધી પ્રાપ્ત કરવાનું હતું. તેનાથી પ્રદૂષણને ઘટાડવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. વડાપ્રધાને વિશ્વ પર્યાવરણ દિવસ પર શનિવારે ભારતમાં 2020-2025 દરમિયાન ઈથોનેલ મિશ્રણ સંબંધિત રૂપરેખાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. ગત વર્ષે પેટ્રોલિયમ કંપનીઓએ 21,000 કરોડ રૂપિયાનું ઈથેનોલ ખરીદ્યું હતું.