તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:નર્મદા કિનારે આવેલા તીર્થરાજ શ્રી નીલકંઠ ધામ પોઇચા ખાતે પર્યાવરણ દિવસે સંતોએ વૃક્ષારોપણનું આયોજન કર્યું

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા કિનારે આવેલા તીર્થરાજ શ્રી નીલકંઠ ધામ પોઇચા ખાતે પર્યાવરણ દિવસે સંતોએ વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી છાંયો અને સુગંધ આપતા પાંચ ફૂટ જેટલા ઊંચા બોરછડી જેવા વૃક્ષોનું પ્રભુ સ્વામી, ધર્મતનય દાસજી સ્વામી, આત્મ પ્રકાશદાસજી સ્વામીના હસ્તે રોપણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, જળ, જમીન અને જંગલનો નાશ લોકોનો જ વિનાશ કરનાર ન બને એ માટે અત્યારથી જ આપણે વૃક્ષો વાવવા અને ઉછેરવા. વૃક્ષો, જંગલો હશે તો ઓક્સિજનની અછત જોવા નહીં મળે. એ સાથે વરસાદી જળનો સંગ્રહ કરવો અને બગાડ ઓછો કરવો એ બહુ જરૂરી છે. બુલેટ, મેટ્રો અને માર્ગોના ભોગે બિચારા વૃક્ષોનો ભોગ લેવાઈ રહ્યો છે.

રાસાયણિક ખાતરો, ઇલેક્ટ્રોનિક સાધનો, વાહનો, એસી, બોમ્બ વગેરેની વિજ્ઞાને આપણને ભેટ આપી પરિણામે નદીઓ પ્રદૂષિત થઈ, વાયુ અશુદ્ધ બની રહ્યો છે. જંગલો સાફ થઈ રહ્યા છે. ખોરાક દુષિત થઇ રહ્યા છે. શાકભાજી બગડી રહ્યા છે. જમીન પ્રદૂષિત તો થઈ રહી છે, એટલું જ નહીં આસમાન અને સાગર પણ સ્વચ્છતા ગુમાવી રહ્યા છે.

હજી પણ પાછા ફરવામાં નહીં આવે તો પૃથ્વી કહે છે કે, હું તો તમારી માતાના સ્થાને છું. મારું દૂધ પીતા ત્યાં સુધી તો વાંધો ન હતો પણ હવે તમે મારું લોહી પીવાના પ્રયાસો શરુ કર્યાં છે, ત્યારે હવે હું જે જે હાહાકાર સરજીશ એની તમે કોઈ ભરપાઈ નહીં કરી શકો.

વાતાવરણમાં પ્રલયકારી વાવાઝોડા, કોરોનાથી બચવા ઓક્સિજનની ઘટ, હજુ આગ અને ધરતીકંપ જેવા લોકોને મોતના મુખમાં ધકેલી તેવા કુદરતી પરિબળોનો ભોગ આપણે ન બનવું પડે એ માટે પર્યાવરણને પ્રદૂષિત ન કરવું એ મોટી સેવા કરી ગણાશે. વિજ્ઞાન થકી જ વિનાશ તરફ દોડી રહેલા આપણે આપણી મોટી મહત્વાકાંક્ષા, અમર્યાદ લોભ, બેફામ લાલસા. આ બધું છોડી, વૃક્ષોનું જતન, પાણીનો સંગ્રહ, હવાનું જતન, પૃથ્વીનુ જતન કરીએ .

વધુમાં પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે અત્રે નીલકંઠ ધામ ખાતે આવનાર લોકોને શાંતિનો અહેસાસ થઇ રહ્યો છે તેના કારણમાં પણ ભગવાનનુ સામીપ્ય ઉપરાંત નર્મદા મૈયાના જળનું સામિપ્ય અને મહંત સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામીએ નાના-મોટા ફુલછોડ તથા ફળાઉ વૃક્ષો સહિતના લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરીને પૃથ્વીને હરિયાળી બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...