નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે “વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે” અને “વર્લ્ડ હિયરીંગ ડે” નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત સહિત જિલ્લાના જન્મજાત ખામી વાળા બાળકો-વાલીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લામાં આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 21-22 માં જન્મજાત ખામીના ન્યુરલ ટ્યુબ ડીફેક્ટના-2, હ્રદયરોગના-39, કપાયેલ હોઠ અને તાળવાના- 14, ક્લબ ફૂટના-10, જન્મજાત બહેરાશના-2, જન્મજાત મોતિયાના-2 અને ડાઉન સિન્દ્રોમના-3 સહિત કુલ-72 જેટલી વિવિધ જન્મજાત ખામીવાળા બાળકોને મેડિકલ તેમજ ઓપરેશન સેવાનો નિ:શુલ્ક લાભ આપવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રધામનંત્રી જન સેવા યોજના, નિરામયા અભિયાન, બાળસખા યોજના વગેરે જેવી અનેકવિધ આરોગ્યલક્ષી કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો જિલ્લાના પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગની સાથે આર.બી એસ.કેની ટીમ દ્વારા રાજપીપળા શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ અને છેવાડાના નવજાત શિશુથી લઇને 18 વય સુધીના તમામ બાળકોને આરોગ્યની સુવિધા સમયસર મળી રહે તે માટે 11 જેટલી ટીમો કાર્યરત હોવા ઉપરાંત જન્મજાત ખામીવાળા બાળકોને સત્વરે સારવાર અર્થે વાહનની સુવિધાની સાથે સંદર્ભસેવા પણ પુરી પડાઇ રહી હોવાનું અંકિત પન્નુએ જણાવ્યું હતું. તેમના હસ્તે આરબીએસકેના 3 મેડીકલ ઓફીસર ઓ તેમજ આરબીએસકેની બે ટીમના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંશાપત્ર એનાયત કરાયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.