તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:150 લોકોને પીવાના પાણી માટે એક જ કૂવાનો સહારો

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરુડેશ્વરના ગડી, જંતર અને ચાપટ સહિતના અંતરિયાળ ગામોમાં આજે પણ રસ્તા, પાણીની સમસ્યા અકબંધ

નર્મદા જિલ્લાને એક તરફ સરકાર વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટો લાવી રહી છે. પ્રવાસીઓને અગવડ ન પડે એ માટે કરોડોના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા ફોર લેન રસ્તા બનાવ્યા, ટ્રેન સુવિધા પણ શરૂ કરાવી તો બીજી બાજુ જિલ્લામાં એવા અંતરિયાળ આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચી જ નથી. આવા ગામો માં રસ્તા, પાણી, સહિત અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહી છે. ગરુડેશ્વર તાલુકાના ગડી, જંતર અને ચાપટ ગામના લોકો રોડ, રસ્તા અને પાણીની સુવિધાઓ સરકાર વહેલી તકે ઉપલબ્ધ કરાવે એવી આશ લગાવીને બેઠા છે.

ગડી ગામના ગભણ ફળિયામાં જવા માટેનો રસ્તો અને પીવાના પાણીની સુવિધા નથી, એ વિસ્તારના 100 જેટલા લોકો એક કિમિ દૂર નાના કુવા માંથી પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે.હવે એ જ ગામના કુમેટા ફળિયાના 80 જેટલા સ્થાનિક લોકોને કાચો કોતર વાળો રસ્તો હોવાથી ચોમાસા દરમિયાન અવર જવર માટે ઘણી તકલીફ પડે છે.જંતર ગામના જાંબલી ફળિયાની જો વાત કરીએ તો એ ગામમાં જવા માટે 5 કિમિનું કાચા રસ્તાનું અંતર કાપવું પડે, એ વિસ્તારના 109 થી 150 લોકો પીવાના પાણી માટે નાના કુવાનો ઉપયોગ કરે છે જે પાણી ખરેખર પીવા લાયક છે જ નહીં.

સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ પાછળ જો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી હોય તો એની આસપાસ વિકાસથી વંચિત રહી ગયેલા ગામોનો સર્વે કરી એવા ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે એ હવે જરૂરી બન્યું છે.નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય ડો.નિતેષ.એસ.તડવીએ જણાવ્યું હતું કે અમે આ ગામોમાં પડતી સમસ્યાઓ બાબતે નર્મદા કલેકટરને રજૂઆત તો કરી છે પણ સરકાર સુવિધા ક્યારે ઉપલબ્ધ કરાવશે એ સમય બતાવશે.ઉનાળાના બળબળતા તાપમાં ફક્ત પાણી માટે જ 5 કિમિ દૂર જવું પડે એનાથી મોટી મુશ્કેલી બીજી કોઈ ન કહેવાય.

અન્ય સમાચારો પણ છે...