કોરોના વાઇરસની પરિસ્થિતિમાં હવે સમગ્ર દેશમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને પ્રવાસીઓ માટે ખુલ્લાં મૂકી દેવામાં આવ્યાં છે, ત્યારે ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રથમ નોરતે, એટલે કે 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના ચૂસ્ત પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે, એમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં કેવડિયા ખાતેના જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, એકતા મોલ વગેરે સ્થળોને ખુલ્લાં મૂકી દેવામાં આવ્યાં છે.
રોજ 2500 પ્રવાસીને પ્રવેશ અપાશે
કોરોના મહામારીની પરિસ્થિતિમાં ગાઈડલાઈન્સના પાલન અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સની ચૂસ્ત જાળવણી થાય એ માટે 2500 પ્રવાસીની મર્યાદામાં તેમન પ્રવેશ આપવામાં આવશે.
આ પ્રવાસીઓ પૈકી માત્ર 500 પ્રવાસીને 153 મીટરના લેવલ પર સ્થિત વ્યૂઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે.
ટિકિટની વ્યવસ્થા કેવી છે?
હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જનારા પ્રવાસીઓને માત્ર ઓનલાઈન ટિકિટ મળશે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓને ટિકિટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટિકિટિંગ વેબસાઈટ www.soutickets.in પરથી મળી શકશે. જે પ્રવાસીઓએ 2 કલાકના સ્લોટની ટિકિટ ખરીદી હોય તેને જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. એ ઉપરાંત પ્રવાસીઓને કેવડિયા ખાતે કોઈપણ ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ ઈશ્યુ કરવામાં આવશે નહીં.
કોવિડ-19 પ્રોટોકોલ કેવી રીતે જળવાશે?
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓએ કોવિડ-19 પ્રોટોકોલ અંતર્ગત માસ્ક ફરજિયાતપણે માસ્ક પહેરવું પડશે. એ ઉપરાંત સ્ટેચ્યૂના પરિસરમાં વ્યક્તિઓને ઊભા રહેવા માટે નિર્દિષ્ટ જગ્યાઓ પર જ ઊભા રહેવાનું રહેશે. એ ઉપરાંત સ્થળ પર જ સેનિટાઈઝેશન તથા થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. એ ઉપરાંત સાઈટ પર જ વિવિધ જગ્યાએ સેનિટાઈઝ મશીનો પણ મૂકવામા આવેલાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રવાસીઓની બસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.