વડાપ્રધાન મોદીની હાકલ:ગદ્દાર ભ્રષ્ટાચારીઓ પર રહેમ નહીં, ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ છે એ સ્વીકારવા ન્યૂ ઇન્ડિયા તૈયાર નથી

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી કૉન્ફરન્સમાં વડાપ્રધાન. - Divya Bhaskar
કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી કૉન્ફરન્સમાં વડાપ્રધાન.
  • એજન્સીઓનું કામ ડરાવવાનું નહીં, ડર દૂર કરવાનું, ભ્રષ્ટાચારી સજામાંથી બચી જતાં બીજી પેઢી વધુ તાકાતથી ભ્રષ્ટાચાર કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સીવીસી અને સીબીઆઇના અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ મજબૂત કરવા જણાવ્યું હતું. કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી સીવીસી અને સીબીઆઇની જોઇન્ટ કૉન્ફરન્સને આપેલા રેકોર્ડેડ સંબોધનમાં વડાપ્રધાને ભ્રષ્ટાચારીઓને દેશના દગાબાજ અને ગરીબોને લૂંટનારા ગણાવતા કહ્યું કે ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સેફ હેવન નથી. તેમના પ્રત્યે રહેમ નહીં રખાય. છેલ્લા 6-7 વર્ષમાં લોકોમાં એવો વિશ્વાસ પેદા કરવામાં સરકારને સફળતા મળી છે કે ભ્રષ્ટાચાર પર અંકુશ શક્ય છે. ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ છે એ સ્વીકારવા ન્યૂ ઇન્ડિયા તૈયાર નથી.

આ સાથે ભ્રષ્ટાચારના વંશવાદ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારીઓને કાયદાની ચુંગાલમાંથી છટકી જતા હોવાથી તેમના પછીની પેઢીઓ વધુ મજબૂતાઈથી ભ્રષ્ટાચાર કરે છે. અમારી સરકાર નાગરિકો પર અવિશ્વાસ નથી કરતી. તેથી જ દસ્તાવેજોને વેરિફિકેશનની અડચણો દૂર કરાઈ છે તથા જન્મ અને મરણ જેવા પ્રમાણપત્રોની સુવિધાઓ કોઈપણ વચેટિયા વિના ટેકનોલોજીના માધ્યમથી મેળવી શકાય છે.

વડાપ્રધાન મોદીના સંબોધનની 5 મુખ્ય બાબત

  • દેશનો વિશ્વાસઘાત કરનારા, ગરીબોને લૂંટનારા ગમે તેટલા શક્તિશાળી હોય, દેશ-દુનિયામાં ક્યાંય છુપાયેલા હશે તો પણ તેમના પર રહેમ નહીં થાય એવો લોકોમાં વિશ્વાસ પેદા થયો.
  • ભ્રષ્ટાચારનો વંશવાદ એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થતો ભ્રષ્ટાચાર મોટો પડકાર. ભ્રષ્ટાચાર કરતી એક પેઢીને સજા મળતી નથી એટલે બીજી પેઢી વધુ તાકાતથી ભ્રષ્ટાચાર આચરે છે.
  • કાળુંનાણું કમાનારને કશું થતું નથી એટલે તેમની હિંમત વધે છે. આ જ કારણોસર ઘણાં રાજ્યોમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર રાજકીય પરંપરાનો હિસ્સો બની ગયો.
  • ભ્રષ્ટાચાર દેશના વિકાસ સામેનો સૌથી મોટો અવરોધ છે. સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભ્રષ્ટાચારનો જડમૂળથી અંત લાવવો પડશે.
  • કેન્દ્રીય તપાસ એજન્સીઓનું કામ કોઈને ડરાવવાનું નહીં પણ લોકોના મનમાંથી ડર દૂર કરવાનું છે.

મહેસૂલી કર્મચારી પૈસા માગે તો વીડિયો બનાવીને મોકલો: રાજેન્દ્ર ત્રિવેદી
ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો જે વિભાગ સામે થાય છે એ મહેસૂલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારીઓના વીડિયો મોકલવા અપીલ કરી. તેમણે કહ્યું કે કોઇ કર્મચારી પૈસા માંગે કે ખોટું કરતો હોય તો અરજદારો મોબાઇલ પર વીડિયો મોકલી શકે છે. તેઓ સામે એક્શન લેવાશે. મહેસૂલ ખાતામાં ખોટું થતું હશે તો સરકાર ચલાવી નહીં લે. કલેક્ટર કચેરીઓમાં અરજીઓનો ઝડપી નિકાલ થતો નહીં હોવાની ફરિયાદો પછી એક ખાસ ટીમ પણ બનાવાશે, જે કોઇપણ કલેક્ટર કચેરીની આકસ્મિક મુલાકાત લઇને કામગીરીની ચકાસણી કરશે. ક્યા જિલ્લામાં કેટલા કેસ પેન્ડિંગ છે તેની પણ તે ટીમ સમીક્ષા કરશે.

અન્ય સમાચારો પણ છે...