ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું મહાકાય ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ધરાવતા કેવડિયામાં અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ વધારે પ્રવાસી આવી રહ્યા છે. આ સ્થળ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું ફેમિલી હોલિડે ડેસ્ટિનેશન બની ગયું છે, જ્યાં બાળકો માટે ન્યૂટ્રિશન પાર્ક, આરોગ્ય વનની સાથે કેમ્પિંગ અને રિવર રાફ્ટિંગ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે, એવો અહીંના એક ઉચ્ચ અધિકારીનો દાવો છે.
મોદીએ કહ્યું - આ ‘મસ્ટ વિઝિટ પ્લેસ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેવડિયાની મુલાકાત લઈને આ સ્થળને ‘મસ્ટ વિઝિટ પ્લેસ’ ગણાવ્યું હતું. નર્મદા નદીના કિનારે સાપુતારા અને વિંધ્યાચલ પર્વતમાળાની વચ્ચે આવેલું આ નાનકડું શહેર સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે જ લોકપ્રિય થઈ રહ્યું છે. કેવડિયા કોલોનીની વિકાસ યોજના સાથે ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા શરૂઆતથી સંકળાયેલા છે. તેઓ કહે છે, આખા પરિવારને ધ્યાનમાં રાખીને આ સ્થળને મોડેલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું વિઝન વડાપ્રધાનનું હતું. બાદમાં કેવડિયાની ઈકોલોજી અને તેના વારસાને ધ્યાનમાં રાખીને એ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાયું.
ગયા મહિને 10 હજાર લોકો આવ્યા
આ સ્થળનું સૌથી મોટું આકર્ષણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે, જેનો વિચાર પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ હતો. આ સ્ટેચ્યૂને કારણે જ અહીં અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે છે. કોરોના મહામારી પહેલાં અહીં રોજના સરેરાશ 13 હજાર પ્રવાસી આવતા, જ્યારે ગયા મહિને અહીં 10 હજાર લોકો આવ્યા હતા. આ સ્થળ વિકસ્યા પછી અહીંના ત્રણ હજાર આદિવાસી યુવાનોને રોજગારી મળી છે. આડકતરી રીતે પણ બીજા દસ હજાર રોજગાર સર્જન થયા છે. એટલું જ નહીં, મહિલાઓ માટે લઘુ ઉદ્યોગોની તકો પણ સર્જાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.