યાત્રાધામ ચાંદોદ ખાતે નવનિર્માણ પામેલા રેલ્વે સ્ટેશનથી કેવડિયા કોલોનીના રેલવે ટ્રેક પર ટ્રેન નીચે કપાઇ જતા શુક્રવારે સવારે 45 વર્ષીય પુરુષનું મોત નિપજ્યું છે. ઘટના સ્થળેથી મળી આવેલા મોબાઈલ આધારે ચાંદોદ પોલીસે તપાસ હાથ ધરતાં મૃતક શિનોર તાલુકાના આનંદી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. મૃતકના પુત્રની જાહેરાત આધારે ચાંદોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સદર ઘટના અકસ્માત? કે પછી આત્મહત્યા? અંગેની પંથકમાં ચર્ચા જાગી છે.
તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી પ્રવાસીઓ સહેલાઈથી કેવડીયા જઈ શકે તે માટે વડોદરાથી વાયા ચાંદોદ થઈ કેવડિયા જઈ શકાય તે માટે નવીન બ્રોડગેજ રેલવે લાઈન કાર્યરત બની છે. તે માટે ચાંદોદથી બે કિમી દુર નવું રેલ્વે સ્ટેશન પણ ઊભું કરાયું છે.
ત્યારે ચાંદોદ રેલ્વે સ્ટેશનથી કેવડીયા તરફ જતી રેલવે લાઈન પર 1901થી 1903 કિમીના પાટીયા વચ્ચે નવા માંડવા ગામ પાસેના નાના રેલ્વે નાળા નજીકથી શુક્રવારે સવારે પસાર થતી નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ટ્રેન અકસ્માતમાં શિનોર તાલુકાના આનંદી ગામના 45 વર્ષીય મહેશ અંબાલાલ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.મૃતકના મળી આવેલા મોબાઈલ આધારે તપાસ હાથ ધરી પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.
જેથી મૃતકના પુત્ર પીન્ટુ મહેશ વસાવા દ્વારા પિતા મહેશભાઈની ઓળખ થતા પોલીસે પુત્રની ફરિયાદ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર મહેશ વસાવાના મૃતદેહ પાસેથી મોબાઈલ, થેલી, વાયરો, બેટરી તથા દાતરડું-લાકડી જેવી કેટલીક વસ્તુઓ મળી આવી હતી. આ ઘટના અકસ્માત કે આત્મહત્યા? તે અંગે પંથકમાં ચણભણાટ વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાંદોદથી કેવડીયા બ્રોડગેજ સેવા કાર્યરત થઇ છે. પરંતુ તેની જ્યુડિશિયલ જાહેર કરાઇ ન હોવાથી રેલ્વે પોલીસની જગ્યાએ ચાંદોદ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.