તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેડિયાપાડાના અંતરિયાળની ગામની કહાની:કોચિંગ લીધા વિના આદિવાસી યુવતીએ ક્લાસ-2 ક્લિયર કરી, કૉન્સ્ટેબલ બન્યા પછી પણ સતત તૈયારીઓ કરી હતી

ચીકદા19 દિવસ પહેલાલેખક: દિનેશ વસાવા
  • કૉપી લિંક
વાંદરી ગામની આદિવાસી યુવતી સાવિત્રી મંગભાઈ વસાવાની તસવીર - Divya Bhaskar
વાંદરી ગામની આદિવાસી યુવતી સાવિત્રી મંગભાઈ વસાવાની તસવીર

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વાંદરી ગામની આદિવાસી યુવતીએ રિસર્ચ ઑફિસરના ક્લાસ-2 પદ માટેની જીપીએસસીની પરીક્ષા પાસ કરીને પરિવાર અને સમાજને ગર્વ અપાવ્યું છે. સાવિત્રી મંગભાઈ વસાવા નામની આ યુવતી જ્યારે ધો.10માં હતી ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. આર્થિક સંકડામણો વચ્ચે માતાએ ખેતમજૂરી કરીને ત્રણ સંતાનોનો ઉછેર કર્યો. સાવિત્રીએ કોઈપણ કિંમતે શિક્ષણ મેળવવા માટે પ્રતિબદ્ધ હોવાથી તેણે સતત મહેનત ચાલુ રાખી હતી. તેણે કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના માત્ર જાતમહેનતે TET, TAT જેવી પરીક્ષાઓ પાસ પણ કરી હતી. 2019માં પોલીસ કૉન્સ્ટેબલની પરીક્ષા પાસ કરીને પોસ્ટિંગ પણ મેળવ્યું છતાં તેણે મહેનત ચાલુ રાખી અને એ જ વર્ષે રિસર્ચ ઓફિસર ( RO)ની પરીક્ષા આપી હતી. જેનો ઈન્ટરવ્યૂ 1 જુલાઈ 2021ના રોજ યોજાયો હતો. એસ.ટી.કેટેગરીના પસંદગી પામેલા 6 ઉમેદવારો પૈકી સાવિત્રી વસાવા પણ સામેલ થઈ છે.

‘પરિશ્રમ અને સમયનો સદુપયોગ કરીશું તો ક્યારેય નાસીપાસ નહીં થવાય’
સમય, પરિસ્થિતિ ગમે તેવો હોય પરંતુ પોતાના ધ્યેયને નક્કી કરી મંડ્યા રહો તો સફળતા અચૂક મળશે. ગરીબ વિદ્યાર્થીઓ માટે આર્થિક સ્થિતિ સૌથી મોટો અવરોધ હોય છે પણ પરિશ્રમ અને સમયનો સદુપયોગ કરીશું તો ક્યારેય નાસીપાસ નહીં થવાય. અત્યારે ટેકનોલોજીના જમાનામાં ઓનલાઈન ઘણાં બધાં ગાઈડન્સ મળતા હોય છે, જેમાંથી સારી બાબતોને અનુસરવું જોઇએ. - સાવિત્રી વસાવા

અન્ય સમાચારો પણ છે...