નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા તાલુકાનું અંતરિયાળ રીંગાપાદર ગામના લોકોને આઝાદીનાં 75 વર્ષ બાદ પ્રથમ વખત વીજળી મળી છે. ગામલોકોને વીજળી નશીબમાં મળી હોય તેવો આ એક રસપ્રદ કિસ્સો કહી શકાય. રીંગાપાદર ગામે મુકાયેલા ટ્રાન્સફોર્મરનું હાલમાં જ ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. ગામમાં વીજળી લાવવા માટે રાજપીપળાના એક યુવા કાર્યકરે તથા શાળામાં આચાર્ય તરીકેની ફરજ નિભાવી નિવૃત્ત થયેલા પી.કે.વસાવા પ્રયત્નશીલ રહ્યા હતા. અને તેમના જ હસ્તે રિબિન કાપી ગ્રામજનો વીજળી શરૂ કરાવી હતી.
ગામમાં પ્રથમ વખત વીજળી આવતાં અજવાળા પથરાયાં હતાં. આખું ગામ ઝગમગતું થતાં લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. ગામલોકોના જીવનમાં વિકાસનો વીજળીના રૂપમાં સૂર્યોદય થયો હોવાનો અહેસાસ કર્યો હતો.21મી સદીમાં દેશ અને દુનિયા ટેકનોલોજીની હરણ ફાળ ભરી રહ્યા છે. ત્યારે આ ટેકનોલોજીના યુગમાં પણ નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા તાલુકાનું રીંગાપાદર ગામ અંધારાં ઉલેચી રહ્યું હતું. જાણે દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી હતી.
અંધકારમય જીવન વ્યથિત કરી રહેલા આદિવાસી લોકોની દાસ્તાની જોઈને રાજપીપળાના વિપુલ ડાંગી નામના યુવા કાર્યકરે આ ગામને વિકાસના ફળ ચખાડવા માટે નક્કી કર્યું. આઝાદી કાળથી આજદીન સુધી ગામ લોકો લાઈટ જીવન જીવી રહ્યા હતાં. જેના પગલે બાળકોના શિક્ષણ ઉપર વિપરિત અસર વર્તાતી હતી. લાઈટ વગર ગામ લોકોનું જીવન અંધકારમય રહેતા ભવિષ્ય ધૂંધળું બની રહ્યું હતું.
વીજળીથી ગામમાં ઘણાં પરિવર્તનો સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે
આઝાદી કાળ પછી પહેલી વખત અમારા ગામના લોકોએ લાઈટનું અજવાળું જોયું છે. લાઈટ ચાલુ બંધ કરવાનું સ્વીચબોડૅ અને વીજ થાંભલા પણ પહેલી વખત ગામમાં જોયાં છે. આજે ગામમાં લાઈટ આવી જતાં હવે ગામ લોકો ઈલેક્ટ્રિક ધંટીનો ઉપયોગ કરશે. વર્ષોથી વાપરી રહેલા હાથ ધંટીમાંથી મુક્તિ મળશે. - વિરસિંગ વસાવા અને જયસિંગ વસાવા, રીંગાપાદર ગામના આગેવાનો.
5 જીના જમાનામાં પણ લોકોને પાયાની સુવિધા મળવી મુશ્કેલ
ગામને મુખ્ય ધારા સાથે જોડતો રસ્તો પણ આજે કાચો છે. અહીં પહોંચવું મોટી વાત છે.દેશ 5જી તરફ દોટ મુકી રહ્યાં છે, જયારે આદિવાસી ગામડાઓમાં જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ મળવી મુશ્કેલ છે. જે કમનસીબની વાત છે. - પી.કે.વસાવા, નિવૃત્ત પ્રિન્સિપાલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.