વાચે ગુજરાત:બોગજ ગામે લોક ભાગીદારીથી લાઈબ્રેરીનો શુભારંભ

ચીકદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના યુવાનોમાં વાંચન પ્રત્યે રૂચિ વધે તે હેતુસર લાઈબ્રેરીની શરૂઆત કરાઇ

ડેડિયાપાડા તાલુકામાં આવેલાં બોગજ ગામે ગામ લોકોની લોકભાગીદારીથી એક લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. જેનું ઉદઘાટન 7મી નવેમ્બરના રોજ ગામના આગેવાનો અને યુવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પોલીસ ખાતામાં આગામી સમયમાં થનારી પી એસ આઈ તેમજ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની પૂર્વ તૈયારી તેમજ ગામના યુવાનોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે હેતુસર બોગજ ગામના જાગૃત નાગરીકો, નોકરીયાત વર્ગ, લોક પ્રતિનિધિ, અને ગામના યુવાનોના પ્રયત્ન થકી આ લાઈબ્રેરી ની શરૂઆત કરવામાં આવી છે.લાઈબ્રેરીની

અંદર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારમાં અલગ અલગ વિભાગોમાં કરવામાં આવતી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જેવી કે જીપીએસસી, યુપીએસસી, લશ્કરી દળ, તલાટી, જુનિયર ક્લાર્ક, પોલીસ ,જેલ સિપાહી, એસ આર પી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ પ્રકાશનના પુસ્તકો, મટીરીયલસ તથા ગામના યુવાનોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તેમજ પોતાના હકક અને અધિકારો જાણતાં થાય તે માટે કાયદાને લગતા પુસ્તકો, નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે મહાપુરુષો ના જીવન ચરિત્ર, પ્રેરણાત્મક વાર્તાઓ,નવલકથાઓ જેવા પુસ્તકોનું સંકલન કરવામાં આવ્યું છે.

જેથી ગામના તેમજ આસપાસના ગામના યુવાનો શિક્ષણનું મહત્વ સમજે અને વધુ ને વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાય તે માટેની સરાહનિય કામગીરી ગામના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. લાઈબ્રેરીમાં શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે તેમજ પુસ્તકોની વ્યવસ્થિત નિભાવણી થાય તેની જવાબદારી ગામના એક નિવૃત્ત શિક્ષકે લીધી છે જે ખરેખર એક સારી બાબત છે.

​​​​​​​છેલ્લા કેટલાક સમયથી ડેડીયાપાડા તાલુકા મથકે આવેલી સરકારી લાઈબ્રેરીની હાલત ખૂબ જ જર્જરિત અને દયનીય છે. હાલ સરકારી પુસ્તકાલય એક ભાડે ચાલતા મકાનમાં ચાલે છે. જ્યાં માંડ વીસ વિદ્યાર્થીઓ પણ બેસીને અભ્યાસ ન કરી શકે એવી પરિસ્થિતિ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને નવી અદ્યતન લાઈબ્રેરી બનાવવા માટે રજુઆત પણ કરી છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ગ્રામ્ય લેવલે શરૂ કરવામાં આવેલી આ લાઈબ્રેરી અન્ય લોકોને પ્રેરણા આપશે.

અન્ય સમાચારો પણ છે...