સમસ્યા:ખુરદી ગામે શાળાના ઓરડા જર્જરિત, છતમાંથી પાણી ટપક્યાં

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 180 વિદ્યાર્થીઓની શાળામાં ઓરડાની બદતર હાલતને કારણે શિક્ષકો ખુલ્લામાં શિક્ષણકાર્ય કરવા મજબૂર

ડેડિયાપાડા તાલુકા મથકેથી પાંચ કિમીના અંતરે આવેલી ખુરદી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને કારણે બાળકોને ચોમાસા દરમિયાન ઓટલે બેસીને અભ્યાસ કરવો પડે છે. 180 બાળકોની સંખ્યા ધરાવતી શાળામાં આવેલા જુના ઓરડા 2004માં બન્યા બાદ જર્જરિત બનતા છતમાંથી પાણી ટપકતાં વિદ્યાર્થીઓ અંદર ન બેસી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. શાળામાં શિક્ષકો નિયમિત આવે છે પરંતુ ભૌતિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ નથી આપી શકતાં. ચોમાસા દરમ્યાન ગામના અન્ય ઘરમાં વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે.

ગામના લોકો અને શાળાના શિક્ષકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં વર્ષોથી જર્જરિત હાલતમાં આવેલા શાળાની ઇમારત ન બનતા વિદ્યાર્થીના વાલીઓ ચિંતામાં મુકાયા છે. ગત બપોરે શાળા સમયે જર્જરિત કમ્પાઉન્ડ વોલ ધરાશયી થયો હતો. કોવિડને કારણે માત્ર ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ હજાર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. શિક્ષણ વિભાગે જલ્દી કાર્યવાહી કરે તેવી ગ્રામજનો ની માંગ છે.

1થી 8 ધોરણ માટે આઠ ઓરડા હોવા જરૂરી
ખુરદી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં કુલ 180 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નિયમ મુજબ ઓછામાં ઓછામાં 8 ઓરડા હોવા જરૂરી છે. તયારે માંડ એક રૂમમાં હાલ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ કપરી પરિસ્થિતિમાં અભ્યાસ કરે છે. તેમાના કેટલાક બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે.

ચોમાસા દરમિયાન ભયના માહોલ વચ્ચે ઓટલા પર ભણતા બાળકો માટે ચિંતા
ગામલોકો દ્વારા છેલ્લા સાત વર્ષથી શાળાના જર્જરિત ઓરડા બાબતે રજુઆત કરવામાં આવે છે. નવી જમીન પણ ફાળવી દેવામાં આવી છે પરંતુ નવું બાંધકામ કરવામાં ખૂબ વિલંબ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમ્યાન અમારા છોકરા ભયના વાતાવરણમાં શિક્ષણકાર્ય કરતા હોય છે. - નરેશ વસાવા, સ્થાનિક,ખુરદી ગામ.

ગાંધીનગરથી ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ
નવી શાળા બનાવવા માટે અલગ જમીનની ફાળવી કરી દેવામાં આવી છે. નવા ઓરડા પણ મંજુર થઈ ગયા છે. પરંતુ ગાંધીનગરથી થતી ટેન્ડર પ્રક્રિયાના વિલંબને કારણે બાંધકામ શરૂ કરવામાં મોડૂં થઈ રહ્યું છે. - ભાવેશ માંગરોલીયા, તાલુકા એન્જીનીયર.

અન્ય સમાચારો પણ છે...