વીરપુર જલારામધામમાં જલારામ બાપાના પરિવારના રસિકબાપાના ધર્મપત્નીનું બુધવારે નિધન થયું હતું અને સદગતની સ્મશાનયાત્રા ગુરુવારે સવારે નિકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ જોડાઇને સદગતને અશ્રુભીની અંજલિ સાથે વિદાય આપી હતી. બીજી તરફ આજે સમગ્ર વીરપુર ગામના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળ્યા હતા. સદગતની અંતિમ યાત્રા સવારના ૯ વાગ્યેથી તેમના નિવાસ્થાનેથી નીકળી હતી, જેમાં સમગ્ર વીરપુર વાસીઓ જોડાયા હતા. તેમજ વીરપુરની મેઈન બજાર સહિત નાના મોટા દુકાનદારોએ પણ પોતાના ધંધા વેપાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો.
જ્યારે વીરપુર મંદિરમાં જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા. જલારામ બાપાના પરિવારના વૈકુંઠ નિવાસી હેમલતાબેનની અંતિમ યાત્રા વીરપુરના રાજ માર્ગમાં થઈને જલારામ બાપાના મંદીરે લઈને મુક્તિધામ ખાતે નીકળી હતી.
આ અંતિમયાત્રામાં જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા ચાંદ્રાણી, ભરતભાઈ ચાંદ્રાણી, કીર્તિબેન,શિલાબેન તથા રસિકબાપાના દીકરા સંજયભાઈ ચાંદ્રાણી, જનકભાઈ ચાંદ્રાણી, યોગેશભાઈ ચાંદ્રાણી, બટુકબાપાના દીકરા વિજયભાઈ ચાંદ્રાણી, હિતેશભાઈ ચાંદ્રાણી સહિતના પરિવારજનો જોડાયા હતા તેમજ અવસાનને પગલે સમગ્ર ગ્રામજનો તેમજ જલારામ બાપાના પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા, આગેવાનોએ તેમને સાંત્વના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.