સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર અને ખોડલધામની તદ્દન નજીક પીઠડીયા ટોલ પ્લાઝાએ સંચાલકો દ્વારા વીરપુર તેમજ ટોલપ્લાઝાની આજુબાજુ 10 કિમીની ત્રિજ્યામાં આવતા 12 જેટલા ગામોના વાહન ચાલકો પાસેથી ટોલટેક્સ નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વીરપુર પાસેના પીઠડીયા ટોલપ્લાઝાએ વીરપુર તેમજ પીઠડીયા,કાગવડ,ખોડલધામ,થોરાળા,ગોમટા સહિતના 12 જેટલા ગામોના લોકો જેતપુર કે ગોંડલ પોતાના રોજગાર માટે હાઇવે પરથી અપડાઉન કરતા હોય છે ત્યારે વીરપુર અને પીઠડીયા વચ્ચે પીઠડીયા ટોલપ્લાઝા આવેલું છે.
આ ટોલપ્લાઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય છતાં કેટલાય વર્ષોથી વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવામાં આવે છે તેવી વાહન ચાલકોમાં ફરિયાદો ઊઠી છે. જેમાં નિયમ અનુસાર ટોલપ્લાઝાની 10 કિમીના ત્રિજ્યામાં આવતા ગામોના વાહન ચાલકો પાસેથી લોકલ ટેક્ષ પેટે 5 કે 10 રૂપિયા ટોલટેક્ષ લેવામાં આવતો હોય છે
પરંતુ પીઠડીયા ટોલપ્લાઝાના તદ્દન નજીકના યાત્રાધામ વીરપુર તેમજ ખોડલધામ કાગવડ અને પીઠડીયા ગામતો માત્ર પાંચ કે સાત કિમીના જ અંતરમાં આવેલા છે છતાં સંચાલકો તેમજ કર્મચારીઓ દ્વારા વીરપુર,કાગવડ તેમજ પીઠડીયા ગામના વાહન ચાલકો પાસેથી 40 કે 80 રૂપિયા સુધીની રકમનો ટોલટેક્ષ લેવામાં આવે છે. આ બાબતે અગાઉ પીઠડીયા ગામના લોકોએ તેમજ આજુબાજુ ગામોના ખેડૂતોએ ભૂતકાળમાં પીઠડીયા ટોલપ્લાઝાએ આંદોલનો પણ કર્યા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.
કેન્દ્રીય મંત્રીએ કરેલી જાહેરાતનો અમલ ક્યારથી શરૂ થશે?
રાજકોટના ભરૂડી અને જેતપુરના પીઠડીયા બને ટોલ નાકા વચ્ચે માત્ર 35 થી 40 કિમીનું જ અંતર છે.બે ટોલબુથ વચ્ચે નિયમ મુજબનું અંતર 60 કિમી હોવું જોઈએ અને કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં નિવેદન આપ્યું હતું કે 60 કિમિની અંતરમાં એક જ ટોલબુથ હોવું જોઈએ અને જો બે ટોલપ્લાઝા હશે તો તે ટોલપ્લાઝા હટાવી દેવાશે પરંતુ વીરપુર પાસેના પીઠડીયા ટોલપ્લાઝા અને ગોંડલ પાસેનું ભરૂડી ટોલપ્લાઝા માત્ર 35 કે 40 કિમિની અંતરમાં જ બે ટોલપ્લાઝા આવેલા છે અને બંને જગ્યાએ ટોલ ઉઘરાવાઇ રહ્યો છે.
સ્થાનિક લોકો સાથે અવારનવાર ટોલટેક્સને લઇને થાય છે માથાકૂટ
તોતિંગ ટોલટેક્સને લઈને બંને ટોલ નાકા પર અવારનવાર સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો સાથે ઝગડા થવા એ સામાન્ય બાબત છે, અને આ બાબતે ભૂતકાળમાં ગોંડલ તાલુકા પોલીસ અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ થઇ ચૂકી છે.આથી આ બાબતનો નિવેડો આવે તે હવે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.