વીરપુરના ભૂલેશ્વરનગર ઢોળા વિસ્તારમાં યોજાયેલા લગ્નપ્રસંગે ધીંગાણું ખેલાઇ ગયું હતું અને માંડવિયા અને જાનૈયાઓ વચ્ચે પહેલાં ગાળાગાળી અને બાદમાં છુટ્ટા હાથની મારામારી થતાં સાતને ઇજા પહોંચી હતી સાત લોકોને નાની મોટી ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા અને આ બનાવમાં માંડવા પક્ષની મહિલા ફરિયાદીએ ચાર સામે ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વીરપુરમાં થયેલી બબાલ અંગે શીતલ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વીરપુર ખાતે તેમના કાકાની દીકરીના લગ્ન હતા અને મારા ભાઇએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હોઇ, તેમની પણ વિધિનું આયોજન હતું.આ પ્રસંગે તેમના કાકાના સાળાનો પરિવાર પણ હાજર રહ્યો હતો અને તેમનો પુત્ર ગાળાગાળી કરતો હોઇ, તેમને સમજાવટથી બહાર મોકલી દેવાયો હતો. એ વખતે તો બધા નીકળી ગયા પરંતુ બાદમાં ફરીથી ત્યાં આવ્યા હતા અને સવારના ઝઘડાનો ખાર રાખી દેવજીભાઈ, ઇલાબેન, વિકાસ અને રોહિત ફરીથી આવ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. રોહિતે છરીથી હુમલો કરતાં પોતે ભાઇને બચાવવા વચ્ચે પડી તો તેને પણ ઇજા કરવામાં આવી હતી. આ બબાલમાં મારા ભાઈ, ભાભી, કાકી, અને અન્ય લોકોને ઇજા પહોંચી હતી.
નશો કરીને આવેલા શખ્સે બબાલ કરી હોવાનો ફરિયાદીની માતાનો આક્ષેપ
વિરપુરમાં લગ્ન પ્રસંગે થયેલી બબાલ તેમજ મારામારીમાં બન્ને પક્ષના સાત જેટલા વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને ફરિયાદી શિતલની માતાએ જણાવ્યું હતું કે તેમના દિયરની દીકરીનો લગ્ન પ્રસંગ હતો જેમાં તેમના દિયરના સાળાનો પરિવાર આવ્યો હતો અને એક શખ્સે નશો કરીને બબાલ સર્જી હતી. આ મારામારી બાદ વિરપુર પોલીસ મથકમાં રોહિત દેવજી સોલંકી, વિકાસ દેવજી સોલંકી, દેવજી કાનજી સોલંકી, ઈલા દેવજી સોલંકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે મામલે પોલીસેઆઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.