બેદરકારી:વીરપુરમાં BSNLના કેબલ કપાતા ઇન્ટરનેટ, ફોન, મોબાઇલ સુવિધા ઠપ

વીરપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક સુવિધા આપવા માટે બીજી છીનવી લેવી તે આનું નામ. લોકોની તકલીફો વધી પડી. - Divya Bhaskar
એક સુવિધા આપવા માટે બીજી છીનવી લેવી તે આનું નામ. લોકોની તકલીફો વધી પડી.
  • ગેસની લાઇન ફિટ કરવામાં કોન્ટ્રાક્ટરે દાખવી બેદરકારી

BSNLની ટેલિફોન, ઈન્ટરનેટ, મોબાઈલ સહિતની સુવિધાઓ ખોરવાતા યાત્રાધામ વીરપુર બન્યું સંપર્ક વિહોણું.

સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે રોજ હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે, દેશ વિદેશથી દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓ હોટેલો તેમજ ગેસ્ટહાઉસમાં રોકાવા માટે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન કે લેન્ડલાઇન ફોન દ્વારા અથવા મોબાઈલ દ્વારા રૂમ બુક કરતા હોય છે, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ થયા યાત્રાધામ વીરપુરના BSNL ના ટેલીફોન, મોબાઈલ અને ઈન્ટરનેટ સંપૂર્ણ ઠપ થઈ જવા પામ્યા છે, આ સેવાઓ ખોરવાતા વીરપુરના યુવાનોએ BSNL એક્સચેન્જ ખાતે રૂબરૂ જઈને ફરિયાદ કરતા BSNLના કર્મચારીઓએ જણાવ્યું હતું કે વીરપુરમાં BSNLની બધી સેવા ઠપ છે. તેનું કારણ છે વીરપુરમાં ગુજરાત ગેસની પાઇપલાઇન ફિટિંગનું ખોદાણ કાર્યનો કોન્ટ્રાક્ટ નેટ-વે કંપની પાસે હોય જેમનો પેટા કોન્ટ્રાક્ટ બાલાજી એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા રાખવામાં આવ્યો હોય તેમના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને ખોદકામ કરતા જેસીબી દ્વારા વીરપુર BSNLનો મુખ્ય ઓ. એફ. સી કેબલ ખોદકામ દરમિયાન અનેક જગ્યાએ કાપી નાખ્યો હતો જેમને લઈને વીરપુરના પંથકમાં BSNLની તમામ સુવિધાઓ ઠપ થઈ ગઈ હતી.

જેના લીધે વીરપુર પોલીસ મથક સહિત સરકારી હોસ્પિટલ તેમજ રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા વીરપુર એસટી બસ સ્ટેશન, વીરપુર ગ્રામ પંચાયત સહિત અનેક સરકારી સુવિધાઓના ટેલિફોન મુંગા થઈ ગયા છે.

સાથે સાથે વીરપુરની હોટેલ, ગેસ્ટહાઉસોમાં ઓનલાઈન બુકિંગ તેમજ મોબાઈલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી જેમને કારણે વીરપુર આવતા યાત્રાળુઓને તેમજ વીરપુર ગામના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ગુજરાત ગેસની પાઇપલાઇન ફિટીંગના ખોદકામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે BSNLનો મુખ્ય ઓ. એફ. સી કેબલ અનેક જગ્યાએ તૂટી જતા હાલતો યાત્રાધામ વીરપુર સંપર્ક વિહોણું બની ગયું છે ત્યારે તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વીરપુરના જાગૃત લોકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...