કાર્યવાહી:હું પગ પકડી રાખીશ, તું ગળું દબાવી દેજે: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દેવાનો કારસો ઘડ્યો

વીરપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. - Divya Bhaskar
પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
  • પ્રેમનો ભાંડો ફૂટતા પરિણીતાએ પ્રેમીને બોલાવ્યો, દેકારો થતાં હત્યાનો ઇરાદો બર ન આવ્યો
  • મેવાસાની​​​​​​​ ઘટનામાં પરિણીતા, પ્રેમી અને તેના મિત્રની ધરપકડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

વીરપુરના મેવાસા ગામે રહેતી પરિણીતા પતિને અંધારામાં રાખી અન્ય સાથે પ્રણય ફાગ ખેલી રહી હતી, જેની જાણ પતિને થઇ જતાં તેણે પ્રેમી સાથે મળી પતિની બોલતી કાયમ માટે બંધ કરી દેવાનો પ્લાન ઘડ્યો હતો અને પ્રેમીને બોલાવીને કહ્યું કે હું મારા પતિના પગ પકડી રાખીશ, તું એનું ગળું દબાવી દેજે. આટલું જ નહીં, બન્નેએ પ્લાન અમલમાં પણ મૂક્યો પરંતુ આસપાસના લોકો એકઠાં થઇ ગયા અને પતિ બચી ગયો હતો.

વીરપુર પાસેના મેવાસા ગામે રહેતા અને ખેતી કામ કરનાર કિશોરભાઈ ધીરૂભાઈ રાદડિયા(ઉ.વ 34)એ બાદમાં વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે તેની પત્ની હીના તેમજ જામકંડોરણાના મોટા ભાદરા ખાતે રહેતો તેનો પ્રેમી આશિષ અરવિંદભાઈ સાકરિયા અને અને પ્રેમીના મિત્ર પ્રતીક ચંદુભાઈ વિરડીયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં ઉમેર્યું હતું કે બપોરના સમયે ઘરે હતો ત્યારે આશિષ અને પ્રતીક તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને પત્ની હિનાની મદદથી મારકૂટ કરી ગળું દબાવવાની કોશિશ કરી હતી.

તેઓ બોલતા હતા કે તને પતાવી જ દેવો છે. હું તેઓની ચુંગાલમાંથી છટકીને બહાર ભાગ્યો અને દેકારો કરતાં આસપાસના લોકો એકઠાં થઇ જતાં ત્રણે નાસી ગયા હતા. કિશોરની પત્ની હિનાને અાશિષ સાકરિયા સાથે પ્રેમ સંબંધ હતો અને તેના મેસેજ મોબાઇલમાં આવતા હોવાથી કિશોરે આશિષને બોલાવી ઠપકો આપ્યો હતો. અા બાબતનો ખાર રાખી હિનાએ જ પતિને પતાવી દેવાનો પ્લાન બનાવી આશિષને ઘરે બોલાવ્યો હતો અને અાશિષ એકલો ન આવ્યો, તેના મિત્રને પણ સાથે લેતો આવ્યો હતો. પોલીસે પતિની ફરિયાદ પરથી ત્રણે સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પાડોશીએ લાકડીથી માર માર્યો હોવાની પ્રેમીની વળતી ફરિયાદ
હિનાના પ્રેમી આશિષ સાકરિયાએ વીરપુર પોલીસ મથકમાં મેવાસા ગામે રહેતા વેલજી રાદડિયા સામે વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે દેકારો થતા ગ્રામજનો આવી ગયા હતાં.તેમાં વેલજીએ તેનો લાકડીનો ઘા ફટકારી દીધો હતો.જેથી તેને કપાળના ભાગે ઇજા પહોંચી હતી. આ ફરિયાદ અંગે વીરપુર પોલીસ મથકના પ્રોબેશનલ પી.આઈ પી.આર.ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.

પ્લાન હીનાનો જ હતો: આશિષ
મોટા ભાદરામાં રહેતા પરિણીતાના પ્રેમી આશિષ સાકરીયાએ નોંધાવેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે હિનાનો મેસેજ આવ્યો હતો અને મને મેવાસા બોલાવ્યો હતો આથી હું તથા મારો મિત્ર પ્રતીક વિરડીયા ગયા હતા ત્યારે હિનાએ જ કહ્યું હતું કે, મારો પતિ અંદર રૂમમાં સૂતો છે. તારે ગળું દબાવવાનું છે. પ્રતીક તેની આંખ પર દુપટ્ટો રાખશે અને હું તેના પગ પકડી રાખીશ. આમ સમગ્ર હત્યાનો પ્લાન પણ હિનાએ જ ઘડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...