યાત્રાધામ વીરપુરમાં ઈંટોના ગેરકાયદેસર ભઠ્ઠાઓ ધમધમી રહ્યા હોવાનો ઘટસ્ફોટ માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી એક માહિતીમાં થવા પામ્યો છે. જેથી કરીને આ બાબતે લાગતું વળગતું તંત્ર શંકાના ઘેરામાં આવી ગયું છે. આરટીઆઇ હેઠળ કરાયેલી અરજીમાં મળેલી માહિતી અનુસાર, ગામમાં ધમધમતા ઇંટોના ભઠ્ઠાઓની કોઇ મંજૂરી લેવામાં આવી નથી.
માહિતી અનુસાર ખાણ-ખનીજ વિભાગ દ્વારા ઈંટો માટે વપરાતી માટીની રોયલ્ટી લેવી પડે છે. ઉપરાંત ભઠ્ઠામાંથી નીકળતા તીવ્ર દુર્ગંધવાળા ધુમાડાથી કોઈ અન્યને નુકશાન ન થાય તે માટે જીપીસીબી ખાતાની મંજૂરી પણ લેવાની હોય છે. પરંતુ એક પણ ભઠ્ઠાએ એક પણ પ્રકારની રોયલ્ટી લીધી નથી. તેમજ પ્રદુષણ બોર્ડની મંજૂરી પણ લેવામાં આવી નથી. ભઠ્ઠીઓના માલિકો દ્વારા માટીની ખનીજ ચોરી પણ થઇ રહી હોવાનો માહિતીમાં ખુલાસો થયો છે. તેમજ પ્રદુષણ ફેલાતું હોવાથી લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઇ રહ્યા છે.
\જો કે કેટલીક ભઠ્ઠીઓ હાઈ-વેની નજીક હોવાથી ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાને લીધે વાહનો વચ્ચે અકસ્માત થયાના બનાવો પણ બન્યા છે. જેમાં ઘણી જીંદગીઓ હોમાઇ ગઇ છે. આ પ્રકારે કોઇપણ મંજૂરી વગર ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો સીધો અર્થ એ છે કે જે-તે તંત્રના ભઠ્ઠીના માલિકો પર ચાર હાથ છે.
આ બાબતે ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સ્થાનિક તંત્રના અધિકારીઓ અને ભઠ્ઠા માલિકો વચ્ચે સાંઠગાંઠ હોવાનું ચોક્કસપણે ખુલે તેમ છે. આ પ્રકારે ગેરકાયદેસર રીતે ચાલતી ભઠ્ઠીના માલિકો અને અન્ય જવાબદારો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.જો કે તંત્ર ક્યારે જાગશે તે તો સમય જ કહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.