જલારામ બાપાની જગ્યા વીરપુર ખાતે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન થકી ગેસ આપવાની ગતિવિધિ વેગવંતી બનાવાઇ છે અને તેનું કામ પણ ચાલી રહ્યું છે ત્યારે જ્યાં ગેસ લાઇન બીછાવાઇ ગઇ છે ત્યાં ગેસ કનેક્શન તાત્કાલિક ધોરણે આપવા સરપંચ ગ્રામપંચાયત સદસ્યોએ માંગણી કરી છે.
વીરપુરમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસની પાઇપ લાઇન બિછાવવાની કામગીરીમાં કંપનીના ઈજનેરો દ્વારા કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આડેધડ પાઈપ લાઈન ફિટીંગ કરતા પીવાના પાણીની મુખ્ય પાઈપ લાઈન વારંવાર તૂટી જતા ગામમાં પીવાના પાણીની સમસ્યાઓ વકરી હતી જેમને લઈને આ કંપની સામે ગ્રામજનોનો વિરોધનો સુર ઉઠ્યો હતો. આથી ગ્રામ પંચાયતે પાઈપ લાઈનની કામગીરી રોકી દીધી હતી.
ત્યાર બાદ તાલુકા વિકાસ અધિકારી એન.ડી.કુગસિયાના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતમાં પંચાયતના સદસ્યો તેમજ ગેસ પાઈપલાઈન ફિટીંગના કોન્ટ્રાક્ટરોની એક બેઠક મળી હતી, આ બેઠકમાં ગુજરાત કંપની તરફથી કોઈ અધિકારીઓ કે ઈજનેરો હાજર રહ્યા ન હતા.અને માત્રને માત્ર નેટ વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કોન્ટ્રાક્ટરો જ હાજર રહ્યા હતા.
ઉપસ્થિત સદસ્યોઓએ રજૂઆત કરી હતી કે જો કંપનીના અધિકારીઓ તેમજ ઈજનેરો રૂબરૂ આવીને અહીં જગ્યામાં, ધર્મશાળા, ભોજન શાળામાં તાત્કાલિક ધોરણે ગેસ કનેક્શન આપશે, ઉપરાંત પાઈપ લાઈન ફિટીંગની કામગીરીમાં પાણીની લાઈન, ભૂગર્ભ ગટર, રોડ કે અન્ય કોઈ નુકસાન થશે તો તેનું રીપેરીંગ કરી આપવાની એગ્રીમેન્ટ કરશે તો જ આગળ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહિતર કામગીરી કરવા દેવામાં નહિ આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.