તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વીરપુર પંથકમાં બાયોડીઝલના પંપ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા

વીરપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વગર પંપ સામે કાયદાની લગામ જરૂરી

વીરપુર પંથકમાં હાઈવે પર છ થી સાત કિલોમીટરના અંતરમાં ભેળસેળયુક્ત બાયોડિઝલ વેચતા 10 થી 12 જેટલા ગેરકાયદેસર પંપ ધમધમી રહ્યા હોઇ આ બાબતે સંબંધિત સરકારી વિભાગે કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકમાગણી ઉઠી છે. હવે જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહિ આવે તો જાગૃત પર્યાવરણ પ્રેમીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

વિરપુરમાં જલારામબાપાના મંદિરે દર્શને દરરોજ લાખો યાત્રાળુઓ આવતા હોય છે,ત્યારે યાત્રાધામ વીરપુર થી જેતપુર તેમજ ગોંડલ હાઈવે પર ઠેકઠેકાણે મધપૂડાની જેમ ઉપસી આવેલા બાયોડિઝલના નામે ભેળસેળયુક્ત પ્રવાહી વેચાણના પંપ બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળવાથી યાત્રાળુઓના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. હાઇવે પર કાગવડના પાટિયા પાસે તેમજ વીરપુર ગોંડલ હાઈવે પર તો બસો મીટરના અંતરે ચાર થી પાંચ પંપ ગેરકાયદેસર રીતે ઊભા છે. થોડા સમય પહેલાં પ્રાંત અધિકારીએ લાલ આંખ કરીને અનેક પંપ સીલ કરી દીધા હતા.

પરંતુ ફરી આ વિક્રેતાઓએ સીલ કરેલા પંપની જગ્યાએ બાજુમાં જ બીજો એક નવો પંપ ઉભો કરી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે યાત્રાધામ વિરપુરના નેશનલ હાઈવે પર ખાણે ખૂંચરે ત્રીસ કિમીના વિસ્તારમાં આવા ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના નામે ભેળસેળયુક્ત પ્રવાહી વેચાણના પંપો ઉપર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પંપો બંધ કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે નહીં તો આગામી સમયમાં યાત્રાધામ વીરપુર પંથકના પર્યાવરણ પ્રેમીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...