ઉપલેટા પોલીસેે પૂર્વ બાતમીના આધારે રાજકોટ અને દીવની ઘરફોડીના અનેક ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદામાલ કબજે લઇ કાર્યવાહી કરી હતી.
ઉપલેટા પોલીસના એચ.એમ.ધાધલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ મહેશ સારીખડા અને વાસુદેવસિંહ જાડેજાને બાતમી મળી અને રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન તેમજ દીવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વિનોદ ઉર્ફે મુંગો ધીરૂભાઇ સારોલિયા અને હકુબેન ભાવેશભાઇ પરમારનો સમાવેશ થાય છે. આ બન્ને પાસેથી સોનાનો સેટ, સોનાનો ચેન, બુટ્ટી, પેન્ડન્ટ, ચલણી નોટો, ચાંદીના દાગીના અને ફોન સહિતની મતા કબજે લીધી હતી.
આ આરોપીઓ સામે રાજકોટ તેમજ દીવમાં ઘરફોડીના ગુના દાખલ થયા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન વિનોદ ઉર્ફે મુગો ધીરૂભાઇ સારોલિયાએ એવી કબુલાત આપી હતી કે તેણે દોઢ વર્ષ પહેલાં દીવના ફીરંગીવાડા વિસ્તારમાંથી એક બંધ મકાનમાંથી ડોલર અને સોનાના દાગીનાની ચોરી કરી હતી અને રાજકોટના ચુનારાવાસમાંથી એક મહિના અગાઉ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઉપરાંત રાજકોટ અમદાવાદ ચોકડી પાસે એક મકાનમાં બપોર દરમિયાન રોકડ અને ચાંદીના સામાનની ચોરી કરી હતી અને પાલનપુરમાં એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
આ ઇસમનો ગુનાહિત ઇતિહાસ તપાસતાં તેની સામે બોટાદ, નવસારીમાં પણ ગુના નોંધાઇ ચુક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.