નિર્ણય:ઉપલેટાની ગૌશાળાના સંચાલકે સ્વખર્ચે 800થી વધુ ગૌવંશને રસીથી સુરક્ષિત કર્યા

ઉપલેટા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રનું કામ સંચાલકોએ કર્યું|રસી પૂરી પાડવા અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં લેવાયો નિર્ણય

લમ્પી વાઇરસના કહેરના પગલે પશુપાલકો અને માલધારીઓમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે ત્યારે ગૌશાળામાં સચવાતા પશુઓને પણ વેક્સિનથી સુરક્ષિત કરવા સંચાલકોએ અનેકવાર તંત્રનું ધ્યાન દોર્યાં છતાં તંત્રમાં કોઇ સળવળાટ ન થતાં ઉપલેટાની એક ગૌશાળાના સંચાલકોએ સ્વખર્ચે રસીકરણ કરાવી 800થી વધુ ગાયોને લમ્પીથી સુરક્ષિત કરી છે.

હાલ પશુઓમાં ફેલાય રહેલા લમ્પી વાઇરસને લઈને રાજકોટની ઉપલેટા વડચોક ગૌશાળા તત્કાલ એક્શનમાં આવી છે. જેમાં તંત્ર પાસે વેક્સિનની વ્યવસ્થા ન હોવાનું માલુમ પડતા પોતે પોતાના ખર્ચે વેક્સિનની વ્યવસ્થા કરીને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી સતર્કતા દાખવી છે. ગૌશાળાની 800 ગાયને આ વેક્સિન આપી પણ દીધી છે. ઉપલેટામાં હાલ લમ્પી વાયરસના 52 કેસ સામે આવતા તંત્ર અને પશુઓની સંસ્થાઓ સતર્ક બની છે. લમ્પી વાયરસને કારણે પશુપાલકોમાં ખૂબ જ ચિંતાનો માહોલ છે. જેમાં ખાસ કરીને ગાય અને ગૌવંશમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

ઉપલેટામાં વડચોક ગૌ શાળા દ્વારા લમ્પી વાયરસનો વધુ ફેલાવો ન થાય તે માટે સરકાર સમક્ષ પશુ ચિકિત્સામાંથી પશુઓ માટે રસીની માગણી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાનું માલુમ પડતા ખુદ વડચોક ગૌ સેવા સમાજ દ્વારા સ્વખર્ચે હજારો રૂપિયા ખર્ચીને 800 જેટલી ગાયમાં રસી અપાવી છે. જ્યારે હજુ પણ 400 જેટલી ગાયને રસી આપવામાં આવશે તેવું જણાવ્યું છે.

ઉપલેટામાં લમ્પી વાયરસનો વધુ ફેલાવો ન થાય માટે 10 વ્યક્તિઓ દ્વારા વડચોક ગૌ શાળા તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં પશુઓને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આવી ગંભીર બીમારી બાબતે સરકાર પૂરતી વ્યવસ્થા હોવાના દાવા કરે છે. પરંતુ ઉપલેટામાં વેક્સિનની અછત હોવાનું પણ સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...