મુશ્કેલી:ઉપલેટાના વાડલા રોડ પર વરસાદી પાણીનો ભરાવો

ઉપલેટા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગચાળાની ભીતિના લીધે પાલિકાએ મોટર મૂકી પાણી ખેંચવું પડ્યું

ગત સપ્તાહે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો અને ઉપલેટા શહેરમાં પણ વરસાદના બીજા રાઉન્ડ દરમ્યાન સારો એવો વરસાદ થતા તાલુકાના બન્ને ડેમ ઓવર ફલો થયા હતા. ડેમ ઓવરફલો થતાની સાથે જ મોજ અને વેણુ ડેમના પાટિયા ખોલવાની ફરજ પડી હતી. પાટિયા ખોલવાથી ઉપલેટા શહેરમાં આવેલી ત્રણેય નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતી સર્જાઇ હતી.

નદીઓમાં આવેલા પુરના કારણે નદીના કાંઠા તોડી પાણી શહેરના નીચાણવાળા વિસ્તાર વાડલા રોડ અને જડેશ્વરના ખાડા સુધી પાણી ઘૂસી જવા પામ્યું હતું. પાણીનો વ્યાપ એટલો બધો વધારે હતો કે આ બન્ને વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાયા હોવાથી ત્યાં વસતા લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ જતા મોટું નુકશાન થયાનું સામે આવ્યું છે. આ અંગે શહેરના વાડલા રોડ ઉપર પાણી ભરાયાના સમાચાર મળતા પાલિકાના પ્રમુખ સહિતની ટીમ વાડલા રોડ ઉપરના નિચાણવાળા વિસ્તારમાં પહોંચી હતી. અને જાત નિરીક્ષણ કર્યાં બાદ પ્રમુખે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી આવા વિસ્તારોમાં પાણી નિકાસની મોટર મૂકી પાણી ઉલેચ્યું હોવાના સમાચાર મળી રહયા છે.

વરસાદને આજે એક સપ્તાહ જેવો સમય વિતી ગયા બાદ પણ આ વિસ્તારમાંથી પાણી ન ઓસરતા પાલીકાના સદસ્ય જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, સુશીલભાઈ વાછાણી સહિતની ટીમએ આ વિસ્તારની મુલાકાત લઈ આ વિસ્તારના ખાડામાં ભરાયેલા પાણી નો નિકાલ કરવામાં મદદરૂપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...