કાર્યવાહી:ઉપલેટામાં ધરણા કરવા જતાં MLA લલિત વસોયા સહિત 15ની અટકાયત

ઉપલેટા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાપુના બાવલા ચોકમાં કોંગ્રેસે ધરણાની મંજૂરી માગી હતી, પોલીસે મંડપ ઉખાડીને ફેંકી દીધો

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ચાલી રહેલી ઉજવણીના અનુસંધાને કોંગ્રેસ પણ વળતા કાર્યક્રમો આપી રહી છે. જે અનુસંધાને શહેરના બાપુના બાવલા ચોકમાં કોંગ્રેસે ધરણા યોજવાની મંજુરી પોલીસ પાસે માગી હતી પરંતુ ધરણા યોજવાની પોલીસે ઘસીને ના પાડી દીધી હતી અને એટલું જ નહીં, જેવા આગેવાનો ધરણા પર બેસવા ગયા કે તરત ધારાસભ્ય વસોયા સહિત 15 આગેવાનની અટકાયત કરી હતી અને ધરણા માટે ઉભો કરેલો મંડપ ઉખાડી નાખ્યો હતો. જેના પગલે ઘડીભર વાતાવરણ તંગ બની ગયું હતું.

સમગ્ર રાજયમાં કોંગ્રેસ દ્વારા છેલ્લા પાંચ દિવસ થયા દેખાવો અને આંદોલનો ચલાવવામાં આવી રહયા છે. આ આંદોલનના ભાગરૂપે ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાની આગેવાનીમાં બાવલા ચોકમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ ધરણા કાર્યક્રમની મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ પોલીસે મંજૂરી આપી ન હતી, એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ ન યોજવામાં આવે તેવી સુચના પોલીસ તંત્રને હોઇ આગેવાનો આવતાંની સાથે જ પોલીસ મેદાનમાં આવી હતી. આ કાર્યક્રમ ન યોજાય તે માટે આજુબાજુના વિસ્તારની પોલીસને ઉપલેટા બોલાવી લેવામાં આવી હતી. ધરણા માટે બાપુના બાવલા ચોકમાં ઉભો કરવામાં આવેલો મંડપ પોલીસે ઉખેડી નાખ્યો હતો.

એટલું જ નહિ ધારાસભ્ય વસોયાને સર્કિટ હાઉસમાંથી જ ઉપાડી લીધા હતા. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભુપતભાઈ કનેરીયા, તાલુકા પંચાયતના પુર્વે પ્રમુખ લાખાભાઈ ડાંગર, જયદેવર્સીહ વાળા, ધર્મેન્દ્રસિંહ વાળા, જિલ્લા પંચાયતના સદસ્ય જતીનભાઈ ભાલોડીયા, ગુલામબાપુ, ભરતસીંહ ચુડાસમા, ચિંતનભાઈ કાનગડ સહિતના આગેવાનોની અટકાયાત કરવામાં આવી હતી.ધારાસભ્યએ આ તકે જણાવ્યું હતું કે સરકાર પોલીસનો દુર ઉપયોગ કરી લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસના આવા દમનથી કોંગ્રેસ દબાઈ જવાની નથી આવનારા દિવસોમાં વધુ મજબુતાઈથી સરકાર સામે આંદોલનો કરીશ.

અન્ય સમાચારો પણ છે...