તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ:ખેતરમાંથી માટી ભરવાની મંજૂરી ન મળતાં અંતે ખેડૂતની આત્મવિલોપનની ચીમકી

ઉપલેટા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે નગરપાલિકાનો ઠરાવ લાવો કહીને તગેડી મૂક્યા

ઉપલેટાના અનેક ખેડૂતોના ખેતરોનું ગત વર્ષે મોજ અને વેણુ નદીમાં પુર આવતાં વ્યાપક ધોવાણ થયું હતું, સરવે કરવાની માગણી કરી હતી, ધોવાણ થયું તે રીપેર કરવા આજુબાજુની પડતર જમીનમાંથી માટી ઉપાડવાની મંજૂરીની માગ કરી હતી. જેના માટે ખેડૂતોને કડવો અનુભવ થયો હતો અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઇને થાક્યા બાદ અંતે એક ખેડૂતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી અને તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

ગત ચોમાસા દરમિયાન ભાદર, મોજ, વેણુ નદીમાં પૂર આવતાં નદીકાંઠાના ખેતરોમાં ધોવાણ થયું હતું ખેડૂતોએ સરવેની માગણી કરી હતી. ખેતરમાં થયેલા ધોવાણને રીપેર કરવા આજુબાજુની પડતર જમીનમાંથી માટી ઉપાડી ખેતરમાં ભરવાની મામલતદાર પાસે મંજૂરી માગી હતી તો 100થી 150 ખેડૂતોને એવો જવાબ મળ્યો કે પાલિકાનો ઠરાવ લાવો, જ્યારે પાલિકાએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે અમે તો જનરલ બોર્ડમાં ઠરાવ થયા બાદ મંજુરી આપીએ.

આવા ચલકચલાણા જેવા જવાબોથી ખેડૂતો વાજ આવી ગયા હતા અને જણાવ્યું હતું કે એક તરફ વાવણીનો સમય નજીક આવતો જાય છે અને ખેતરો ધોવાયા વગરના પડ્યા છે. અમે કાયદેસર માટી ભરવાની મંજૂરી માગી છે, તો તંત્ર અમને મંજૂરી આપતું નથી. અમે અલગ અલગ અોફિસના ચક્કર કાપીને થાક્યા છીએ, અમારો કોઇ આરો ઓવારો આવતો નથી.

આથી પંથકના નારણભાઇ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે હવે મારી પાસે આત્મવિલોપન સિવાય કોઇ માર્ગ રહ્યો નથી. માટી ભરવા માટે જો પૈસા ભરવાના થતા હોય તો એ પણ આપવા અમે તૈયાર છીએ. સમયસર માટી નહીં ભરાય તો નદીકાંઠાના 2500થી 3000 વીઘા ખેતરમાં વાવેતર શક્ય નથી, તો અમારે ભૂખે મરવાનો સમય આવશે તેના કરતા આ રીતે જ મરી જવું સારું. આથી જો ત્રણ દિવસમાં મંજૂરી નહીં મળે તો મામલતદાર કચેરીમાં જ આત્મવિલોપન કરશે.

અન્ય સમાચારો પણ છે...