કોરોના રાજકોટ LIVE:3 દિવસથી પોઝિટિવ કેસ 'શૂન્ય', શહેરમાં 4 દર્દી સારવાર હેઠળ, શહેર અને જિલ્લામાં 22મેએ કોરોના રસીકરણની મેગા ડ્રાઈવ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શનિવારે 3 કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક કેસ નોંધાયો

રાજકોટ મહાનગરમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી. આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63706 થયો છે. જે સામે કુલ 63203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

રવિવારે જિલ્લામાં મેગા રસીકરણ ડ્રાઇવ યોજાશે
રસીકરણની કામગીરીને વેગ આપવા કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં 22 મેને રવિવારના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે આરોગ્યતંત્ર, વહીવટી તંત્ર સાથે જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકાના આરોગ્યના વિભાગના કર્મીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મેગા ડ્રાઇવનો મોટી સંખ્યામાં લાભ લેવા નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ છે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રવિવારે રાજકોટમાં પણ મેગા વેક્સિનેશન ડ્રાઇવ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ કોવિડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના વેક્સિન લેવામાં બાકી રહેલા નાગરિકોને મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ અપીલ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 22 આરોગ્ય કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલ અને પદ્મકુવરબા હોસ્પિટલ ખાતે સવારે 8થી સાંજે 7 સુધી 12 વર્ષથી ઉપરના તમામ લાભાર્થીઓને કોવિડ રસીનો બીજો ડોઝ તથા 60 વર્ષથી ઉપરના અને હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર માટે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી
કોરોનાથી બચવા, રસીકરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને અન્ય પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં કામગીરીના ભાગરૂપે જિલ્લામાં રોજ 300 જેટલા વેક્સિન સેશનનું આયોજન કરવામાં આવશે. જેમાં અશક્ત, વૃદ્ધ કે દિવ્યાંગ લોકોને ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે.

પ્રિકોશન ડોઝ લેવામાં રાજકોટ ગુજરાતમાં ચોથા ક્રમે
ભારત અને વિશ્વભરમાં કોરોના હાલ કાબૂમાં છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.39 કરોડ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ, 5.15 કરોડે બીજો અને 26.83 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે. રાજકોટમાં પણ 15 વર્ષના બાળકોથી લઈને વડીલોએ પણ કોરોના સામે લડવા રસી લીધી છે. કોરોનાની રસીનો બીજો ડોઝ લેવામાં ગુજરાતભરમાં રાજકોટ પાંચમા સ્થાને છે જ્યારે પ્રિકોશન ડોઝ લેવામાં રાજકોટ રાજ્યમાં ચોથા ક્રમે રહ્યું છે.

રાજકોટમાં 1.31 લાખે પ્રિકોશન ડોઝ લીધો
બીજો અને પ્રિકોશન બંને ડોઝમાં અમદાવાદ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. રાજકોટમાં 27.55 લાખ લોકોએ પહેલો, 25.14 લાખે બીજો અને 1.31 લાખ લોકોએ પ્રિકોશન ડોઝથી સુરક્ષિત થયા છે. કોરોનાની વેક્સિન બાદ દેશભરમાં મૃત્યુદર પર લગામ લાગ્યો છે. કોરોના થવા છતાં મહત્તમ દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર નથી પડી રહી.

અન્ય સમાચારો પણ છે...