કોરોના રાજકોટ LIVE:કોરોનાએ માથું ઊંચક્યું, નવા 4 કેસ, વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ એક જ પરિવારના 3 સભ્યો પોઝિટિવ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સોમવારે જિલ્લામાં 10,043 લોકોને વેક્સિન અપાઈ હતી

રાજકોટમાં છેલ્લા 5થી 6 દિવસથી 2-2 કેસ નોંધાય રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ રાજકોટમાં કોરોનાએ માથુ ઊંચક્યું હોય તેમ આજે એક જ દિવસમાં નવા ચાર કેસ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત કુલ ચાર દર્દીઓ સંક્રમિત થયા છે.વિમલનગરના એક પરિવારની 2 મહિલા અને એક પુરુષ તેમજ મનહર પ્લોટમાં રહેતા એક પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ચારેય દર્દીઓએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધેલા છે. તેમના સંપર્કમાં આવતા લોકોનો ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરાઈ છે. અને પોઝિટિવ દર્દીઓની કોન્ટેક્ટ હિસ્ટ્રી શોધવા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ 41 હજાર લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. તંત્રએ ફરી વેક્સિનેશનને વેગવંતું બનાવવા સોમવારે આરોગ્ય વિભાગની 212 ટીમ સાથે જિલ્લા પંચાયતના વર્ગ-1ના 11 અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં જઈ લોકોને સમજાવી રસી લેવડાવી હતી.

શહેરમાં કુલ કેસની સંખ્યા 42859 પર પહોંચી
શહેરમાં કુલ કેસની સંખ્યા 42859 પર પહોંચી છે. હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે. રાજકોટમાં રોજ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. રાજકોટમાં કોરોનાને અટકાવવા ટેસ્ટિંગની સંખ્યા 2000 સુધી પહોંચાડવામાં આવી છે.

લોકો કોરોનાની રસી લેવાથી દૂર ભાગે
રાજકોટ જિલ્લામાં હજુ પણ લોકો કેટલીક ગેરમાન્યતા ધરાવે છે. જેના કારણે કોરોનાની રસી લેવાથી દૂર ભાગે છે. જિલ્લામાં ધોરાજી નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા તેમજ જસદણ, વીંછિયા, છાસિયા, ઓરી, લાખાવડ, પારેવાડા સહિતના ગ્રામીણ વિસ્તારમાં લોકો રસી લેતા નથી. જેના કારણે તંત્રનો પ્રથમ ડોઝ પૂર્ણ કરવાનો ટાર્ગેટ પૂર્ણ થતો નથી. આ કારણે આરોગ્ય વિભાગે છેલ્લા બે દિવસથી ફરી વેક્સિનેશનને વેગવંતું બનાવ્યું છે. જેમાં શનિવાર અને રવિવારના દિવસે પણ વેક્સિન આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

બીજો ડોઝ 60 ટકા લોકોએ લઈ લીધો છે
જ્યારે સોમવારે જિલ્લામાં 10,043 લોકોને વેક્સિન અપાઈ હતી. રાજકોટ જિલ્લાના 400થી વધુ ગામડામાં 100 ટકા વેક્સિનેશનના પ્રથમ ડોઝની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ ડોઝની સંખ્યાની વાત કરીએ તો 10,91,359 લોકોએ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ 6,68,381 લોકોએ લઈ લીધો છે. ટકાવારીની દૃષ્ટિએ પ્રથમ ડોઝ 96 ટકા અને બીજો ડોઝ 60 ટકા લોકોએ લઈ લીધો છે.