તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 'શૂન્ય' કેસ નોંધાયા, શહેરમાં રસીનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 92 ટકાને પાર થઈ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 લાખ કરતા વધુ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે
  • બીજો ડોઝ લેનારની સંખ્યા 4.32 લાખ

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે અને 16 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી અને આજે કુલ 11954 લોકોએ વેક્સિન લીધી છે. શહેરમાં રસીનો પુરવઠો જેમ જેમ આવતો જાય છે તેમ તેમ રસી લેવામાં લોકો આગળ આવી રહ્યા છે. રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રહેતા 10000 લોકોએ રસી લીધી હતી જેમાં સૌથી વધુ ડોઝ અમીન માર્ગ સ્થિત વેક્સિન સેન્ટર પર અપાયા હતા. આ સાથે રાજકોટમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 92 ટકાને પણ આંબી ગઈ છે.

બીજો ડોઝ લેનારની સંખ્યા 4.32 લાખ
રાજકોટ શહેરને 18 વર્ષ કરતા વધુના વયના 10.93 લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ પૈકી 10 લાખ કરતા વધુ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા 4.32 લાખ થતા બંને ડોઝ લઈને કોરોનાથી પૂર્ણ સુરક્ષા કવચ મેળવ્યું હોય તેવા શહેરીજનોનું પ્રમાણ 39.5 ટકા થયું છે. જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ આ આંક પણ વધતો જાય છે અને આ માસના અંત સુધીમાં 60 ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

રાજકોટ વેક્સિનેશનમાં રાજ્યમાં બીજા ક્રમે પહોંચ્યું
બીજી તરફ રાજકોટ શહેર હાલ વેક્સિનેશનમાં રાજ્યમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. 100 ટકા વેક્સિનેશન તરફ આગળ વધવા માટે 86000ને રસીનો પહેલો ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. જેટલા ડોઝ ઉપલબ્ધ હોય છે તેમાંથી પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 35થી 40 ટકા થઈ રહી છે તે જોતા 86000નો આંક કરવામાં હજુ દોઢ મહિનો થઈ શકે છે અને ત્યાં સુધીમાં બીજો ડોઝ લેવાનો હોય તે સંખ્યા પણ વધી જતા હર્ડ ઈમ્યુનિટીની સ્થિતિ સર્જાશે.

ત્રીજી લહેરની શક્યતા નહિવત
આ જ ગતિએ વેક્સિનેશન આગળ વધતું રહ્યું તો રાજકોટ શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહિવત થઈ જશે. રાજકોટ જિલ્લામાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 9,20,205 અને બીજો ડોઝ લેનારની સંખ્યા 2,75,838 પર પહોંચી છે. રવિવારે જિલ્લામાં 9507 લોકોને વેક્સિન અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...