રાજકોટમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ કોરોનાએ માથું ઊંચક્યું છે. આજે ફરી 1 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે મેયર ડો. પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથાગાર્ડન અને ઝુ કમિટીના ચેરમેન અનીતાબેન ગોસ્વામીની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે,તહેવારોમાં ગાંધી મ્યુઝિયમ, ગાર્ડન અને ઝુ ખુલ્લા રહેશે. ઉલ્લેખનીય છે કે તહેવારો દરમિયાન લોકોનો ધસારો વધશે તો સંક્રમણ ફેલાઈ શકે છે. હજુ 3 દિવસ પહેલા શહેરમાં બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલ કુલ કેસની સંખ્યા 42843 પર પહોંચી છે. આમ શહેરમાં સારવારમાં રહેલા દર્દીની સંખ્યા વધીને 8 પર પહોંચી છે. દિવાળીના તહેવારો સમયે જ કોરોનાએ દેખા દેતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું હતું.
60 હજાર મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે આવતા હોય છે
ગાર્ડન અને ઝુ કમિટીના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન અસંખ્ય મુલાકાતીઓ ઝૂ ખાતે પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે દિવાળી થી લાભપાંચમ સુધીમાં અંદાજિત 60 હજાર મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે આવતા હોય છે. નિયમિત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે નુતન વર્ષના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુવિધા માટે અને મુલાકાતીઓ નુતન વર્ષનાં દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.05/11/2021, શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. ઝૂ નો સમય સવારે 09:00 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યાનો રહેશે સાથોસાથ મહાત્મા ગાંધી મ્યુઝિયમ મુલાકાતીઓ માટે ચાલુ રહેશે અને મ્યુઝિયમનો સમય સવારે 10:00 વાગ્યાથી સાંજના 06:00 વાગ્યા સુધીનો રહેશે.
રાજકોટમાં બે કેસ નોંધાયા
ત્રણ દિવસ પહેલા શહેરના વોર્ડ નં.11 માં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 59 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના સીધા સંપર્કમાં આવેલા હાઈરિસ્ક 9 લોકોના ટેસ્ટ અને 25 લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. જ્યારે બીજો કેસ વોર્ડ નં.7માં આવેલા જાગનાથ પ્લોટમાં રહેતા 38 વર્ષીય મહિલાનો નોંધાયો છે. તેઓ 28 ઓક્ટોબરના રોજ મુંબઈથી રાજકોટ આવ્યા હતા અને તે જ દિવસે કોરોના ટેસ્ટ કરાયો હતો. જે પોઝિટિવ આવતા તેમના સીધા સંપર્કમાં આવેલા હાઈરિસ્ક 2 લોકોના ટેસ્ટ અને 2 લોકોનું સ્ક્રીનિંગ આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
ચાલુ મહિનામાં જ કુલ 20 કેસ નોંધાયા
શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની શક્યતાને લઈને હવે રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના કુલ 20 કેસ નોંધાયા છે. જેમાં 1 ઓક્ટોબરે એક કેસ, 5 ઓક્ટોબરે 2 કેસ, 8 ઓક્ટોબરે 1 કેસ, 11 ઓક્ટોબરે 1 કેસ, 12 ઓક્ટોબરે 1 કેસ, 19 ઓક્ટોબરે 3 કેસ, 20 ઓક્ટોબરે 3 કેસ, 19 ઓક્ટોબરે 3 કેસ, 20 ઓક્ટોબરે 3 કેસ, 22 ઓક્ટોબરે 2 કેસ, 27 ઓક્ટોબરે 2 કેસ, 28 ઓક્ટોબરે 2 કેસ, 30 ઓક્ટોબરે 2 કેસ કોરોનાના નોંધાયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.