પોલીસની નિષ્ક્રિયતાને કારણે બેફામ બનેલા લુખ્ખા તત્ત્વો રોજ કોઇને કોઇ બહાને સરાજાહેર મારામારી કરી ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. ત્યારે ચાર દિવસ પહેલા જ એસ.ટી.બસ ચાલક-કંડક્ટર પર હુમલો કરી લૂંટ ચલાવ્યાનો બનાવ હજુ તાજો છે. ત્યાં વધુ એક બનાવમાં એસ.ટી.બસના ચાલકને અકસ્માતનો ખર્ચ દેવો પડશે કહી પાંચ શખ્સે માર મારી રોકડ ભરેલા પર્સની લૂંટ ચલાવી નાસી જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મૂળ પોરબંદરના બળેજ ગામના કમલભાઇ પાલાભાઇ ઉલવા નામના એસ.ટી.બસના ચાલકે પોલીસને જણાવેલી વિગત મુજબ, તે સુરત-દ્વારકા રૂટની બસ લઇ ગઇકાલે રાજકોટ પહોંચ્યા હતા. બસ મોચીબજાર પાસે પહોંચતા બે બાઇકમાં આવેલા પાંચ શખ્સે બસને ઊભી રખાવી હતી અને પાંચ પૈકી એક શખ્સે તમે મારા બાઇકને બસ અડાડી દીધી છે, તમારે મને ખર્ચ દેવો પડશે તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો.
જેથી પોતાની બસ કોઇ વાહનને અડી નથી તેવું કહેતા પાંચેય શખ્સ વધુ ઉશ્કેરાય જઇ પોતાને બસમાંથી નીચે ઉતારી માર માર્યો હતો. ત્યારે કંડક્ટર પણ દોડી આવતા તેને પણ માર માર્યો હતો. જાહેરમાં એસ.ટી.બસના ચાલકને માર મારતા અન્ય રૂટની એસ.ટી.બસ ત્યાંથી પસાર થતા તેના ચાલક પોતાની મદદે આવ્યા હતા. મારામારી સમયે પાંચ પૈકી એક શખ્સે પોતાના ખિસ્સામાં રહેલું પર્સ તફડાવી લઇ નાસી ગયા હતા. પર્સમાં રૂ.3 હજારની રોકડ હતી.
પાંચેય શખ્સના મારથી પોતાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને ચાલકનું નિવેદન લીધું છે. અને સરાજાહેર મારામારી કરી રોકડ લૂંટી જનાર પાંચેય શખ્સને ઝડપી લેવા મોચીબજાર પાસેના સીસીટીવી કેમેરા તપાસવા તજવીજ હાથ ધરી છે. અગાઉ હોર્ન વગાડવાના મુદ્દે ચાલકને માર મારી લૂંટ ચલાવનાર ચારેય શખ્સને પોલીસે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે બનાવમાં સંડોવાયેલા હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.