ભાસ્કર વિશેષ:સરકારી નોકરી માટે યુવાનોની તનતોડ મહેનત, દિવાળીની રજામાં પણ લાઇબ્રેરીમાં વાંચન માટે ભીડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની તૈયારી કરતાં યુવાનોએ કહ્યું, આવતી દિવાળી વરદી પહેરીને મનાવીશું

આજે નવું વર્ષ છે ત્યારે સૌ કોઈ પોતાના પરિવાર સાથે ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં રહી સરકારી નોકરી માટેની તૈયારી કરતાં સૌરાષ્ટ્રના યુવાનોએ દિવાળી પણ લાઇબ્રેરીમાં વાંચન કરીને જ મનાવી છે. પોલીસની ભરતી નજીક હોવાથી યુવાનો મહેનતમાં લાગી પડ્યા છે. તહેવારમાં પણ પરિવારથી દૂર રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં યુવક- યુવતીઓ વાંચન કરતાં જોવા મળી રહ્યાં છે.

કોરોનાને કારણે લાંબા સમય બાદ પોલીસની ભરતી જાહેર કરવામાં આવી છે અને અન્ય વિભાગો પણ ચૂંટણી પહેલા ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર થવાની શક્યતા છે. ત્યારે સરકારી નોકરીની રાહમાં બેઠેલા યુવાનો હાલ તૈયારીમાં લાગી પડ્યા છે. દિવાળી અને નૂતન વર્ષમાં પણ પરિવારથી દૂર રહી સૌરાષ્ટ્રના યુવાનો વહેલી સવારે ગ્રાઉન્ડ પર દોડ અને દિવસ આખો લાઇબ્રેરીમાં વાંચન કરતાં જોવા મળી રહ્યાં છે.

પોલીસની ભરતી જાહેર થઈ ગઈ છે અને પરીક્ષા પણ નજીક હોવાથી યુવક-યુવતીઓએ એક દિવાળીની ઉજવણી પરિવારથી દૂર રહી કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં તૈયારી કરતાં ઉમેદવારોએ જણાવ્યું હતું કે, આ દિવાળીમાં ભલે પરિવારની સાથે ન હોઈએ, પરંતુ આવતી દિવાળી વરદી પહેરીને પરિવાર સાથે મનાવીશું.

પરીક્ષા : ઉજવણીને ભૂલીને તૈયારીમાં લાગ્યા
લાંબા સમયથી પોલીસની ભરતીની રાહમાં હતાં. હવે ભરતી પણ જાહેર થઈ ગઈ છે અને પરીક્ષા પણ નજીક હોવાથી આ દિવાળીની ઉજવણીને ભૂલીને તૈયારી કરી રહ્યાં છીએ. હું છેલ્લા ત્રણ વર્ષથી પીએસઆઈની તૈયારી કરી રહ્યો છું અને હાલ પરીક્ષા નજીક હોવાથી વાંચન માટે વધુમાં વધુ સમય આપું છું. વહેલી સવારે દોડ માટે પણ પુરજોશમાં તૈયારી ચાલી રહી છે.> રાહુલ આહીર

મારા જેવા અનેક યુવાનો માટે ભરતી મહત્ત્વની
પીએસઆઈ તેમજ પોલીસ બનવાની રાહ જોતા મારા જેવા અનેક યુવાનો માટે આ ભરતી મહત્ત્વની છે. વાંચન ઉપરાંત 5 કિલોમીટરની દોડની પણ ઘણા સમયથી પ્રેક્ટિસ શરૂ છે. જેમા બ્રેક ન પડે તે માટે તૈયારી શરૂ રાખવી ખૂબ જરૂરી છે.> મહેશ સેગલિયા

અન્ય સમાચારો પણ છે...