પાટણવાવના છત્રાસા ગામની સીમમાંથી જૂનાગઢના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવકને દારૂના મામલે કોઇ શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, પોલીસે હત્યારાઓની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ધોરાજીના પાટણવાવ તાલુકાના છત્રાસા ગામની સીમમાં અજાણ્યા યુવકની લાશ પડી હોવાની ગામના સરપંચે જાણ કરતાં પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કોઠિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મૃતક જૂનાગઢમાં બિલખા રોડ પરના રાજીવનગરમાં રહેતો વિજય મનસુખભાઇ જાદવ (ઉ.વ.21) હોવાનું ખુલ્યું હતું, યુવકના શરીર પર ઇજાના નિશાન હોવાથી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજય ચાવડાને લાકડી પાઇપ જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયાના પ્રાથમિક રિપોર્ટ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, છત્રાસા ગામની સીમમાં દારૂની લે-વેચના મામલે માથાકૂટ થતાં વિજયને પતાવી દીધાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જોકે હત્યારો કોણ છે તે બાબત સ્પષ્ટ નહી થતાં પોલીસે હત્યારાઓની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી.
જૂનાગઢમાં રહેતો અને મજૂરી કામ કરતો વિજય ચાવડા છત્રાસા ગામે ક્યારે અને કોની સાથે આવ્યો હતો, શા માટે આવ્યો હતો તે સહિતના મુદ્દે પરિવારજનોએ અજાણ હોવાનું રટણ રટ્યું હતું. પોલીસે મૃતકના મોબાઇલ નંબર તેમજ કોલ ડિટેઇલના આધારે તપાસ આગળ ધપાવી હતી. દારૂના મુદ્દે યુવકની હત્યા થતાં નાના એવા છત્રાસા ગામમાં ચકચાર મચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.