મનપાનું પોકળ તંત્ર:રાજકોટમાં ફાયર શાખામાં બોગસ L.C. રજૂ કરીને યુવકે 33 વર્ષ સુધી ફાયરમેન તરીકે નોકરી કરી, વિજીલન્સની તપાસમાં ભાંડો ફૂટ્યો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ. કોર્પોરેશનની ફાયર બ્રિગેડની શાખામાં 33 વર્ષ પહેલા શાળાના બોગસ લીવીંગ સર્ટીફીકેટ રજૂ કરીને નોકરી મેળવનાર કર્મચારીને નિવૃતિના દોઢ વર્ષ પહેલા જ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. વર્ષો પહેલા દસ્તાવેજોની ચકાસણી ન થઇ હોવાથી નોકરી પર લાગી જનાર ફાયર બ્રિગેડના લીડીંગ ફાયરમેનને ફરજીયાત નિવૃત કરવાનો હુકમ ડે. કમિશનર આશીષકુમારે કર્યો છે.

વિજીલન્સ તપાસ શરૂ કરવામાં આવી
આ કેસની વિગત મુજબ ફાયર શાખામાં 1989ની સાલમાં નોકરી મેળવનાર ફાયરમેન ભરતભાઇ મુલીયાણાએ હાજર થતી વખતે જન્મ તારીખના આધાર તરીકે અંબિકા પ્રાથમિક શાળાનું લીવીંગ સર્ટીફીકેટ રજૂ કર્યુ હતું. તેમની સર્વિસ બુકમાં જન્મ તારીખ 22-1-65 હતી. આ પ્રમાણપત્ર ખોટુ હોવાની ફરિયાદ પરથી 2018ની સાલમાં વિજીલન્સ તપાસ શરૂ કરવામાં આવી હતી. કર્મચારી પાસે અંબિકા પ્રાથમિક શાળાનું સરનામુ ન હતું. ધો.1 થી 7ની કોઇ માર્કસશીટ પણ ન હતી. શિક્ષણાધિકારી કચેરીમાં તપાસ કરતા 1976માં આ નામની કોઇ શાળા ન હોવાનો જવાબ મળ્યો હતો

છેતરપીંડી કર્યાનું સાબિત થયું
અને આ નામની શાળા તા.29-10-2002ના રોજ અસ્તિત્વમાં આવ્યાની વિગતો મળી હતી. આ ખરાઇ પરથી એલ.સી. બોગસ હોવાનું અને ઝનાના હોસ્પિટલમાં જન્મ તારીખ 22-12-64 હોવાનું રીપોર્ટમાં નોંધ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટનો જવાબ અમાન્ય રાખવામાં આવ્યો હતો જેથી સંપૂર્ણ તપાસના અંતે ગંભીર પ્રકારની છેતરપીંડી કર્યાનું સાબિત માનીને ડે.કમિશનરે આ કર્મચારીને નોકરીમાંથી ફરજીયાત નિવૃત કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત તેમને માત્ર રહેમરાહે પેન્શન મળશે. અન્ય હકક હિસ્સા રોકી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...