સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધિશોને બંગડી આપી:પેપર લીકકાંડને 35 દિવસ, કોઈ કાર્યવાહી કે ફરિયાદ ન થતા યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કર્યો

રાજકોટ3 મહિનો પહેલા
કુલપતિને રજુઆતની સાથે બંગડી પહેરવા આપી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલ પેપરલીકના 35 દિવસ બાદ હજુ કોઈ પણ કાર્યવાહી કે ફરિયાદ ન થતા આજે યુથ કોંગ્રેસ અને NSUI ડેલિગેશન દ્વારા કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લેખિત ફરિયાદ કરવાની માગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદ ન કરી શકતા સત્તાધિશોને બંગડી પહેરવા આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. જો કે આવતીકાલે પોલીસ ફરિયાદ કરવાની યુનિવર્સિટી દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવી છે.

આવતીકાલે ફરિયાદ દાખલ કરવાની ખાતરી આપી
કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધીશોને અમે આજે પેપરલીક મામલે ઉગ્ર રજુઆત કરી છે. 35 દિવસ બાદ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. માટે આજે અમારી એક સ્પષ્ટ માગણી હતી કે, કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી આ મામલે ફરિયાદ દાખલ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે. જો કોઈ સત્તાધિશો ફરિયાદ કરતા અચકાતા હોય, કોઈને ડર લાગતો હોય તો તેઓ બંગડી પહેરી લે તેવું કહી બંગડીઓ અર્પણ કરી વિરોધ નોંધાવ્યો છે. જો કે, એક કલાકની ઉગ્ર રજુઆત બાદ આવતીકાલે ફરિયાદ કરવામાં આવશે તેવી લેખિત બાહેંધરી કુલપતિ અને સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે.

યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા.
યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા.

પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરી હતી
રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી સંસ્થાના પેપરલીક જેવી ગંભીર ઘટનામાં 35 દિવસ વીત્યા પછી કોઈ કાર્યવાહી ન થાય તો સ્વાભાવિક વિપક્ષ તરીકે વિદ્યાર્થી હિત અર્થે ઘટતું કાંઈ પણ કરવાનું જ હોય. અગાઉ કુલપતિ તેમજ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. પરંતુ પોલીસ કમિશનરે પ્રત્યુત્તર આપતા ખૂબ સ્પષ્ટ કહ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધિશો ફરિયાદ દાખલ કરવા માગતા હોય તો પોલીસ ફરિયાદ પહેલા લેવા પણ તૈયાર હતી અને અત્યારે પણ તૈયાર જ છે. કોઈ ફરિયાદી જ ના બને તો પોલીસ કઈ રીતે ફરિયાદ દાખલ કરે.

BBA અને B.com સેમ-5નું પેપર લીક થયું હતું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 13 ઓક્ટોબરનું BBA અને B.com સેમ-5નું એક-એક પેપર લીક થવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું હતું અને તેમાંથી B.comનું એક પેપર છાત્રોએ બીજી વખત આપવું પડ્યું હતું. જે ઘટનામાં પેપર લીકકાંડમાં ભાજપી નેતાનું નામ હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા જ પોલીસે તપાસ પડતી મૂકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે ઘટનાના 35 દિવસ પૂરા થવા છતાં પણ પેપર લીક કરનારા કોણ છે તે જાહેર થયું નથી. જેનાથી શિક્ષણ જગત પણ હતપ્રભ છે.

કુલપતિની ચેમ્બરમાં બેસી વિરોધ કર્યો.
કુલપતિની ચેમ્બરમાં બેસી વિરોધ કર્યો.

તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કાઢવાનો ત્વરીત નિર્ણય લીધો હતો
પેપર લીક થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવેની તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કાઢવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ ત્વરીત નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર હવેની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં મોકલવામાં નહીં આવે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તમામ કોલેજોને હવેથી સોફ્ટ કોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. 13-10-2022ની BBAની પરીક્ષાનું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાત્રે જ તાત્કાલિક બદલાવવામાં આવ્યું હતું અને રાબેતા મુજબ બીજા દિવસે આ પરીક્ષા લેવામાં આવી હતી.

અગાઉ પાંચ વખત પેપર ફૂટી ચૂક્યા છે

  • 23 ડિસેમ્બર, 2021- B.com સેમ-3નું પેપર
  • 12 ઓક્ટોબર, 2022- BBA સેમ-5નું પેપર
  • 12 ઓક્ટોબર 2022- B.com સેમ-5નું પેપર
  • 2016માં Bscનું કેમેસ્ટ્રીનું પેપર
  • 2014માં BCAનું પેપર
અન્ય સમાચારો પણ છે...