લોકસાહિત્યકાર અને કાર્યક્રમમાં વારંવાર ‘રાણો રાણાની રીતે’ બોલનાર દેવાયત ખવડે આજે ફરી ચર્ચામાં આવ્યા છે. જ્યાં રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ પાસે ચાલીને જતા મયૂરસિંહ રાણા નામના યુવાન પર દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ ધોકા પાઇપ વડે હુમલો કરી યુવાનને બેફામ માર માર્યો હતો જે બાદ ત્યાં આસપાસ લોકો આવી પહોંચતા નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડના ત્રાસથી કંટાળી બે મહિના પહેલાં પોલીસ પાસે મદદ માંગી હતી. ત્યારે તેનાં પરિજનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જો યોગ્ય સમયે કાર્યવાહી થઈ હોત તો ઘટના બની ન હોત.
લોકો એકઠા થતા નાસી છૂટ્યા
રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ નજીકના આ CCTV ફૂટેજ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકગાયક કલાકાર દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવે છે અને એકાએક ગાડીમાંથી ધોકા સાથે ઊતરી ચાલીને જતા મયૂરસિંહ રાણા નામના યુવાન પર દેવાયત ખવડ અને અન્ય એક શખ્સે ધોકા વડે બેફામ માર માર્યો હતો. બે શખ્સોએ સાથે મળી ગણતરીની સેકન્ડમાં પાઇપના 31 ફટકા માર્યા હતા. અચાનક આસપાસના લોકો એકઠા થતા તેઓ નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવકે પોલીસ અરજીમાં શું કહ્યું
આજથી બે મહિના પૂર્વે મયૂરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના ૨ોજ રાત્રે તેના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદેસર ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા. જેથી અમોએ દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતા નશા ધૂત દેવાયતે મને ૨િવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે,' તારાથી થાય તે કરી લે ગાડી ત્યાંથી નહીં હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુન્હામાં ફિટ કરાવી દઈશ.' આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતિના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.
આવનાર નશો કરીને લોકો સાથે ઝઘડે છે
વધુમાં અરજીમાં જણાવ્યું હતું કે, પરંતુ દેવાયત ખવડ સમાધાનના થોડા સમય બાદ અમો જ્યારે અમારા કૌટુંબિક મામાના ઘરે જઈએ ત્યારે અમારી સાથે તોછડાઈપૂર્વક વર્તન કર્યું હતું અને રિવોલ્વોર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આટલેથી ન અટકતા પ્રસંગોપાત જ્ઞાતિના સમારોહમાં અમો બન્ને સામસામે આવીએ ત્યારે પણ દેવાયત ખવડ મને અપમાનિત કરતું વર્તન કર્યું છે. ખવડ અને તેના સાગરીતોના ત્રાસથી હું નહીં તેના પાડોશી પણ ત્રાસેલા છે. તે અવારનવાર નશો કરીને લોકો સાથે ઝઘડે છે.
મહિલાઓની છેડતીનો આક્ષેપ
વધુમાં અરજીમાં જણાવ્યું હતું કે, તે મહિલાઓની છેડતી પણ કરે છે. અમે પોલીસમાં અનેક ફરિયાદ કરી પરંતુ દેવાયત ખવડ ગુજરાતનો લોકસાહિત્ય કલાકાર હોઇ, નામચીન વ્યક્તિ હોવાના કારણે પોલીસમાં પોતાની સારી એવી વગ ધરાવતો હોવાના કારણે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં સામે આવીને ફરિયાદ કરતું નથી અને તે કા૨ણે દેવાયત ખવડ આજે બેફામ બન્યો છે. તેથી તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી મારી માંગ છે.
પોલીસ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરશે?
ઉલ્લેખનીય છે કે મયૂરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે જૂની અદાવત ચાલી રહી છે. બંને દ્વારા પોલીસમાં ધાકધમકી અંગે અરજી આપવામાં આવી હતી. રવિરત્ન પાર્ક ખાતે દેવાયત ખવડના ઘર નજીક વાહન રાખવા બાબત પાડોશી સાથે બોલાચાલી થઇ હતી જે બાબતનું મનદુઃખ ચાલતું હોઇ આજે બપોરના સમયે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે અરજી આધારે પોલીસે કોઈ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી ન હતી ત્યારે CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે જોવું મહત્ત્વનું રહેશે.
2 વર્ષ પહેલાં પૂર્વ CMના વાઇરલ વીડિયોની બનાવી મજાક
2 વર્ષ પહેલાં પૂર્વ CM વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં 'ફ્રાય ફ્રેંચી' શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે 'અમને તો એમ હતું કે જમી લીધું હશે તમે, બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.' દેવાયત ખવડ પોતાના ડાયરામાં હરહંમેશ બોલતા એક ડાયલોગથી ફેમસ થયા છે. તેઓ હંમેશાં પોતાના દાયરામાં આ ડાયલોગ જરૂર બોલતા હોય છે જે છે "રાણો રાણાની રીતે હો" દેવાયત ખવડ થોડા સમય પહેલાં ટિકટોક પર વીડિયો બનાવતી યુવતી કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વિવાદોમાં સપડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.