વિવાદ:‘તમારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો છે’ કહી વૃદ્ધને માર્યા

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિક્ષાનું ભાડું કરવાની ના પાડતા ચાલકને લાકડી ઝીંકી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

શહેરમાં યુવતીને ભગાડી જવાના મુદ્દે વૃદ્ધને યુવતીના પરિવારજનોએ અને રિક્ષાનું ભાડું કરવાની ના પાડતા ચાલકને માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટના મોરબી રોડ, અક્ષરપાર્કમાં રહેતા કૃષ્ણકાંતભાઇ વલ્લભદાસ ગરાચ નામના વૃદ્ધ બુધવારે રાતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. એ ડિવિઝન પોલીસે પૂછપરછ કરતા તે અને તેમનો પુત્ર બંગડી બનાવવાનું કામ કરે છે.

અગાઉ સોનીબજારના દરબાર ગઢમાં રહેતા હતા. તે વિસ્તારમાં રહેતી યુવતી સાથે પુત્રને પ્રેમસંબંધ હોય ત્રણ દિવસ પહેલા ભગાડી ગયો છે. જોકે, પુત્ર ક્યાં ગયો છે તે તેમને ખબર નથી. દરમિયાન ગત રાતે જૂના વિસ્તારમાં ચક્કર મારવા જતા યુવતીના પરિવારજનોએ પોતાને વાત કરવા બોલાવ્યા હતા. ત્યાં જતાની સાથે જ તમારો દીકરો અમારી દીકરીને ભગાડી ગયો છે તે બંને ક્યાં છે તેમ કહ્યું હતું. પોતે કંઇ જાણતા ન હોવાનું કહેતા પોતાને ઢીકાપાટુનો માર મારતા ઇજા થઇ હોવાનું જણાવ્યું છે.

બીજા બનાવમાં ભીલવાસમાં રહેતા નુરમહમદ અબુભાઇ લાખા નામના પ્રૌઢ સદરબજાર ખાટકીવાસમાં રહેતા મહેબૂબ જમાલ કટારિયાએ છરી, લાકડીથી માર માર્યાની ફરિયાદ કરી હતી. પોતે રિક્ષા ચલાવતા હોય મહેબૂબ અવારનવાર તેની રિક્ષા ભાડે કરતો હતો, પરંતુ તે ભાડાના પૈસા દેતો ન હતો. દરમિયાન બુધવારે ફરી રિક્ષા ભાડે કરવાની વાત કરતા તમે પૈસા આપતા નથી એટલે નથી આવવું તેમ કહેતા ઉશ્કેરાયો હતો અને પોતાને માર મારી રિક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...