હુમલો:તારી રિક્ષા CCTVમાં નડે છે, હટાવી લે કહી વેપારી પર હુમલો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટિંગ યાર્ડ પાસે મહિલા સહિત 4 શખ્સે ધોકા, પાઇપના ઘા ફટકાર્યા
  • ​​​​​​​પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને 4 શખ્સે માર માર્યો

શહેરમાં મારામારીના વધુ બે બનાવમાં વેપારી પર મહિલા સહિત ચાર શખ્સે હુમલો કર્યાની તેમજ બીજા બનાવમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સે યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. માર્કેટિંગ યાર્ડ પાસે હુડકો ક્વાર્ટરમાં રહેતા અને ખાલી બારદાનનો વેપાર કરતા ગોવિંદભાઇ લીલાધરભાઇ ભાનુશાળી નામના પ્રૌઢે પાડોશમાં જ રહેતા ભાનુબેન ઝાપડા, તેના પતિ હીરા મછા ઝાપડા, પુત્રો કિશન અને જયેશ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ચાર દિવસ પહેલા પાડોશી જયેશ ઝાપડાનો ફોન આવ્યો હતો કે, સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાડવાના છે, જે કેમેરામાં તમારી રિક્ષા નડતર રૂપ છે તે હટાવી લ્યો, જેથી પોતે બહારગામ છે પરત આવું ત્યારે વાત કરી હતી. દરમિયાન શનિવારે રાતે સાડા આઠ વાગ્યે ઘરે હતો ત્યારે જયેશ અને તેના પિતા હીરાભાઇ ઘરે આવ્યા હતા. અને રિક્ષા હટાવવા મુદ્દે બોલાચાલી કરી હતી. સોસાયટીમાં ઝઘડો થતા અન્ય પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. જેથી હિરાભાઇ અને તેનો પુત્ર જતા રહ્યા હતા.

બાદમાં મોડેથી હિરાભાઇ તેના બંને પુત્ર અને પત્ની ફરી ઘરે આવી ઝઘડો કર્યો હતો. ગાળો દેવાની ના પાડતા પિતા-પુત્રો ધોકા અને પાઇપ સાથે તૂટી પડ્યા હતા. હુમલામાં ઇજા થતા હોસ્પિટલ સારવાર લેવી પડી હતી. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં કાલાવડ રોડ, જયભીમનગર-2માં રહેતા રાહુલ બાબુભાઇ શેખવા નામના યુવાન પર તેના જ વિસ્તારના લાલો ચંદુ મઇડા, પ્રિન્સ ભોજાણી અને તેની સાથેના બે અજાણ્યા શખ્સે લાકડી, કેબલ વાયરથી માર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપી લાલા અને પ્રિન્સે બહેનની છેડતી કરી હોય ગત તા.6ના રોજ બંને સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.

દરમિયાન શનિવારે બપોરે તે જંગલેશ્વર મેઇન રોડ પર હતો ત્યારે ઉપરોક્ત આરોપીઓ ધસી આવી તે પોલીસમાં ફરિયાદ નોંધાવી તો પોલીસે શું ઉખાડી લીધું, તારે જેટલી પોલીસ ફરિયાદ કરવી હોય તેટલી કરી લે તેમ કહી લાકડી, કેબલથી માર મારી ઇજા પહોંચાડી છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...