કાગદડી મહંત આપઘાતમાં ભેદભરમ:સુસાઇડ નોટમાં 2 યુવતીના આપત્તિજનક 6 વીડિયો ડિલિટ કરો, તેની આબરૂનો સવાલનો ઉલ્લેખ, પોલીસ કહે છે, યુવતીના મહંત સાથે શારીરિક સંબંધ નથી!

રાજકોટ4 મહિનો પહેલા
મહંત જયરામદાસે 1 જૂને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
  • મહંતને ફસાવવામાં યુવતી સામેલ છતાં પોલીસે તેને જવા દીધી, તેની સામે ગુનો કેમ નહીં, બીજી યુવતી કોણ?

રાજકોટના મોરબી રોડ પર કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસમાં ભેદભરમ સામે આવ્યો છે. બે યુવતી સાથેના 6 આપત્તિજનક વીડિયો હોવાનો ખુદ મહંતની સુસાઈડમાં ઉલ્લેખ છે. મહંતે સુસાઈડમાં લખ્યું છે કે બંને યુવતી સાથેના 6 આપત્તિજનક વીડિયો છે એ હિતેશના મોબાઇલમાં છે. આ વીડિયો ડિલિટ કરાવો, કારણ કે, યુવતીની આબરૂનો સવાલ છે. બીજી તરફ પોલીસ કહી રહી છે કે યુવતીના મહંત સાથે કોઇ શારીરિક સંબંધ નથી. મહંતને ફસાવવામાં યુવતીની પણ શંકાસ્પદ ભૂમિકા હોવા છતાં પોલીસે એકની પૂછપરછ કરી જવા દીધી છે, જ્યારે બીજી યુવતી કોણ એ સવાલ ઊઠ્યો છે. કાવતરામાં બંને યુવતીઓનો રોલ હોવા છતાં પોલીસે યુવતીઓને આરોપી બનાવી નથી એ બાબત પણ લોકચર્ચાનો વિષય બની છે.

મહંતે સુસાઈડ નોટમાં લખ્યું- દીકરીઓનો જીવ બચી શકે એ માટે વીડિયો ડિલિટ કરો
મહંતે સુસાઈડ નોટમાં લખ્યું છે કે હિતેશભાઇ લખમણભાઇના મોબાઇલમાં જે 2 દીકરીના 6 વીડિયો છે એનો દુરુપયોગ કરી મને તો ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલ્યો છે. જે દીકરીઓની ઇજ્જતને કારણે તેમણે જેમ કહ્યું એમ મેં કર્યું છે, પણ હવે વધુ જિંદગી ન ગુમાવે અને એ દીકરીઓ પણ જીવી શકે એ માટે ખાસ આ વીડિયો ડિલિટ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું.

બે યુવતી સાથે વીડિયો ઉતારી આરોપીઓ બ્લેકમેઇલ કરતા હતા
રાજકોટ નજીકના કાગદડી આશ્રમના મંહતે ઝેરી દવા પી કરેલા આપઘાત પ્રકરણને દિવસો વીતી જવા છતાં પોલીસ હજુ સુધી એકપણ આરોપીને પકડી નહીં શકતાં પોલીસ તપાસ સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. બીજી બાજુ, મહંતનો બે યુવતી સાથે વીડિયો ઉતારી તેને દોઢ વર્ષથી બ્લેકમેઇલ કરાતા હોવાથી મહંતને અંતિમ પગલું ભરવું પડ્યું હતું, બંને યુવતીઓનો આ કાવતરામાં ભૂમિકા હોવા છતાં પોલીસે એક યુવતીનું નિવેદન નોંધી જવા દેતાં આશ્ચર્ય સર્જાયું છે.

આરોપી હિતેશ અને અલ્પેશ.
આરોપી હિતેશ અને અલ્પેશ.

આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર
કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ગત તા.1ના આશ્રમમાં ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલામાં આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી જે-તે સમયે અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેશ લખમણ જાદવ અને વિક્રમ સોહલા સામે ગુનો નોંધ્યો હતો, આરોપીઓએ કાવતરું રચી મહંતને આપઘાત માટે મજબૂર કરવામાં એડવોકેટ રક્ષિત કલોલા અને દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવતનો પણ આરોપી તરીકે ઉમેરો કર્યો હતો. મહંતે આપઘાત કર્યા બાદ ગુનો નોંધાયો ત્યાં સુધી તો પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી જ હતી, પરંતુ ત્યાર બાદ આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે.

ડો.નિમાવતની આગોતરા જામીનની સુનાવણી 19 જૂને
મહંતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે અલ્પેશ અને હિતેશે બે યુવતી સાથે મહંતનો વીડિયો ઉતાર્યો હતો અને આવા છ વીડિયો આરોપીઓ પાસે છે, એ વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી આરોપીઓ પૈસા પડાવતા રહ્યા હતા, કાવતરામાં બંને યુવતીઓની ભૂમિકા હોવા છતાં પોલીસે યુવતીઓને આરોપી બનાવી નથી. એ બાબત પણ લોકચર્ચાનો વિષય બની છે, પોલીસે એક યુવતીનું નિવેદન નોંધી જવા દીધી હતી. બીજી યુવતી કોણ છે એ સવાલ હજી લોકોમાં ઊઠી રહ્યો છે. બીજી બાજુ, આરોપીઓને પકડવા પોલીસની ચાર ટીમ બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી એકપણ આરોપી પોલીસને હાથ આવ્યો નથી. બીજી બાજુ ફરાર આરોપી ડો.નિલેશ નિમાવતે આગોતરા જામીન અરજી કરી હતી, જેની 19 જૂનના રોજ સુનાવણી થશે.

આરોપી ડો.નિલેશ નિમાવત.
આરોપી ડો.નિલેશ નિમાવત.

પોલીસની 4 ટીમ કામે લાગી છતાં આરોપીઓનું લોકેશન મળતું નથી
બીજી તરફ, મહંતને આપઘાતની ફરજ પાડવાના આરોપી તેનો ભત્રીજો અલ્પેશ, તેનો બનેવી હિતેશ અને રાજકોટનો વિક્રમ સોહલા હજી ફરાર છે. પુરાવાનો નાશ કરવાના આરોપી એડવોકેટ રક્ષિત કલોલા પણ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓના કોઈ લોકેશન મળતા નથી. આ બાબત પણ હવે શંકાસ્પદ અને અનેક પ્રશ્નો ઉઠાવનાર બની રહી છે. પોલીસ સૂત્રોએ આજે પણ તમામ આરોપીઓની કોઈ ભાળ નહીં મળી રહ્યાની કેસેટ વગાડી હતી. આ સ્થિતિમાં ખરેખર પોલીસ આરોપીઓને પકડી શકતી નથી કે પછી તેની દાનતમાં ખોટ છે એ સંબંધે તરહ તરહની ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે.

ત્રણ વાહન મળ્યાં, પણ આરોપીનો પત્તો નથી
આરોપી અલ્પેશ અને હિતેશે મહંતને બ્લેકમેઈલિંગ કરી પડાવેલા પૈસામાંથી ખરીદેલાં ત્રણ વાહનો તો પોલીસને મળી ગયાં છે, પરંતુ આરોપી મળતા નથી એ બાબત પણ આશ્ચર્યજનક ગણાવાઈ રહી છે. જોકે મહંતનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં જેની ભૂમિકા હતી તે બે તબીબોને આરોપી બનાવવા બાબતે પોલીસ અવઢવમાં છે. જયરામદાસ બાપુના મૃત્યુને 15 દિવસ થયા અને ફરિયાદ નોંધાયાને પણ એક સપ્તાહથી વધુ સમય થઇ ગયો છે છતાં પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હાલમાં પોલીસ માત્ર નિવેદન નોંધી આરોપીઓને પકડી પાડવા 4 ટીમ કામે લાગી હોવાની અને તપાસ ચાલુ હોવાના બણગા ફૂંકી રહી છે.

આરોપી વિક્રમ સોહલા.
આરોપી વિક્રમ સોહલા.

કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીને પોલીસ શોધી રહી છે
રાજકોટ પોલીસ દ્વારા પાંચ આરોપીને શોધી રહી છે, જેમાં મહંતનો ભત્રીજો અને ટ્રસ્ટી અલ્પેશ, જમાઇ અને ટ્રસ્ટી હિતેશ જાદવ, ટ્રસ્ટી વિક્રમ સોહલા, દેવ હોસ્પિટલનો ડોક્ટર નિલેશ નિમાવત અને એડવોકેટ રક્ષિત કોલોલાનો સમાવેશ થાય છે. આરોપી સામે ફરિયાદ દાખલ કરતાં અત્યારસુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...