રાજકોટ જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં પ્રથમ ઘટનામાં ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર શેમળા ગામ નજીક મારૂતિ વાનને પાછળથી બીજી કારે ટક્કર મારતાં વાનમાં બેઠેલી મૂળ રાજકોટની અને હાલ ગોંડલ રહેતી યુવતીને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે તેના માતા-પિતા અને ભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બીજી ઘટનામાં રાજકોટથી સનરાઇઝ વિલા જઇ રહેલા કોલેજીયન યુવકની બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા સાથે મોત નીપજ્યું હતું.
ગોંડલમાં કારની ટક્કરથીવાન ત્રણ ગોથા ખાઇ ગઇ
કોઠારિયા રોડ પર સાધના સોસાયટી વિસ્તારમાં રહેણાંક ધરાવતાં અને હાલ ધંધાના કામ માટે ગોંડલ ભાડેથી રહેતાં પરેશભાઇ દેસાઇ ગઇકાલે ગોંડલથી મારૂતિ વાનમાં પત્ની કૈલાસબેન, પુત્રી ધારા અને પુત્ર યશને બેસાડીને રાજકોટ સગાના ઘરે પ્રસંગ હોઇ ત્યાં આવી રહ્યા હતા. ત્યારે શેમળા ગામના પાટીયા પાસે તે વાનનો ટર્ન લઇ રહ્યા હતાં ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવી રહેલી કારની જોરદાર ટક્કર લાગતાં વાન ત્રણ ગોથા ગઇ હતી. આ અકસ્માતમાં ધારાને ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. તેના માતા-પિતા અને ભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં પિકનિક પર જતી વખતે બાઇક સ્લીપ થતા યુવકનું મોત
મૂળ કાલાવડ અને હાલ રાજકોટ રહેતા 20 વર્ષીય કોલેજીયન યુવાન યશ ધર્મેશભાઈ સોઢાનું બાઈક સ્લીપ થતા ગંભીર ઇજા સાથે મોત નીપજ્યું હતું. મૃતક મામાના પરિવાર સાથે પિકનીક કરવા સનરાઇઝ વિલા જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. જોકે બાઇકમાં પાછળ બેસેલા મૃતકના મામાની દીકરી બહેનનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમને સામાન્ય ઇજા પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.